પ્રદ્યુમનસિંહજી સ્કૂલમાં ચાલી રહેલી આ પ્રવચન શ્રેણી અંતર્ગત આચાર્યએ કયાં પગથિયા તરીકે ‘સંસારના સ્વરૂપનું ચિંતન કરવું’ એ વિષય ઉપર સમજ આપી
આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે મહર્ષિઓએ બનાવેલા 15 પગથિયા પૈકી 6 પગથિયાને સમજાવ્યા બાદ, પ્રવચન પ્રભાવક આચાર્ય દેવ શ્રીમદ વિજય કીર્તિયશસૂરિશ્વરજી મહારાજે આજે કયા પગથિયા તરીકે ’સંસારના સ્વરૂપનું ચિંતન કરવું’ એ વિષય ઉપર સમજ આપી હતી.
વર્ધમાનનગર સંઘમાં બિરાજી રહેલા પ્રવચન પ્રભાવક પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજય કીર્તિયશસુરીશ્વરજી મહારાજે પોતાની પ્રવચન શ્રેણીના આજના છઠ્ઠા દિવસે સંસારના સ્વરૂપ વિશે વિચારો રજૂ કર્યા હતા. પ્રહલાદ પ્લોટ મેઈન રોડ ઉપર અજરામાર ઉપાશ્રયની સામે આવેલી પ્રદ્યુમનસિંહજી સ્કૂલમાં ચાલી રહેલી આ પ્રવચન શ્રેણી અંતર્ગત આચાર્યશ્રી પોતાની વાણીનો લાભ આપી રહ્યા છે. વિશ્વ હિતચિંતક આચાર્યદેવ કીર્તિયશસૂરિશ્વરજી મહારાજની વાણીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે.
આજે તેમણે કહ્યું હતુ કે, સંસાર સ્વરૂપનો વિચાર નથી કર્યેા માટે જ ઇન્દ્રિયથી ઉત્પન્ન થતાં સુખો મીઠા અને મધુરા લાગે છે. આજે સંસારના સ્વરૂપનું જ્ઞાન ઘણાખરાને છે, પણ વિજ્ઞાન નથી. જ્ઞાને અને વિજ્ઞાનમાં તફાવત છે. જ્ઞાનમાં એકાદ પાસાનો વિચાર હોય, જયારે વિજ્ઞાનમાં ચારે-તરફનું જોઇ-જાણી પછી નિશ્ચિત કરેલું હોય છે. ‘લક્ષ્મી ચંચલ છે’ એવું જ્ઞાન થાય તો તેને સાચવવાનું મન પણ થાય અને જો વિજ્ઞાન રૂપે પરિણામ પામે તો એમ થાય કે લક્ષ્મી ચંચળ છે. માટે એને સાચવવાની ગમે તેટલી મહેનત કરાય, તો પણ એ જવાના સ્વભાવવાળી જ છે. તેથી તેને છોડવાનું મન થાય અને સારા માર્ગે વાપરવાનું મન થાય.
આચાર્યએ ઉમેર્યું હતું કે, જીવન નાનું છે, માટે માણવાનું માણી લઇએ – તે જ્ઞાન. જયારે જીવન નાનું છે માટે. સાધવાનું સાધી લઇએ – તે વિજ્ઞાન. જ્ઞાનમાં દ્રષ્ટ્રિ ટૂંકી હોય. વિજ્ઞાનમાં દ્રષ્ટ્રિ ખૂબ લાંબે સુધી પહોંચેલી હોય. જ્ઞાન એક બાજુ જુએ. વિજ્ઞાન સર્વ બાજુથી જુવે. આજે ભાવના થતી નથી, કારણ કે સંસારના સ્વરૂપનું વિજ્ઞાન જ મેળવ્યું નથી. ઉત્તમ તત્વોનું વાંચન નથી. તેનું ચિંતન પણ નથી. સદગુરૂ પાસે જઇ ઉત્તમ તત્ત્વોની સુંદર સમજણ મેળવાય તો ભાવનાનો ઝરો સહજપણે વહેવા લાગે અને એનાથી આત્મા ખરેખર ભાવિત થઇ શકે.આંબાવાડી, અમદાવાદમાં આચાર્યનું આ જ વિષય પર વ્યાખ્યાન ચાલતું હતું. કે બધુ નાશ થવાના સ્વભાવ વાળુ છે. ધન, યૌવન, શરીર વગેરે બધા નાશવતં પદાર્થેા છે. કોના સહારે જીવવાનું ? વ્યાખ્યાન પૂરા થતાં પહેલા જ એક ભાઇએ પ્રાણ છોડયા. નાશવંતનો પ્રત્યક્ષ દાખલો સૌને જોવા મળ્યો. પત્ની, પુત્ર, પરિવાર, પૈસા કોઇપણ વિસામો નથી, નાશવતં છે.
કોઇ કદાચ એમ માનતું હોય કે પશુ-પંખીઓને દુ:ખ છે, પણ મનુષ્યોને તો સંસારમાં સુખ જ સુખ છે. સુખની રેલમછેલ છે તો એ પણ ભ્રમણા કાઢી નાખવા જેવી છે. તેઓને પણ દુ:ખનો પાર નથી એમ આચાર્યશ્રી ફરમાવી રહ્યા છે. મનુષ્યોને પણ ગર્ભાવાસની પીડા, જન્મ થતાં અસહ્ય વેદના, બાલ્યવસ્થાની પરવશતા, યુવાવસ્થાની વિડંબણા, વૃધ્ધાવસ્થાની લાચારી, ચોરભય, શત્રુભય, રોગ, શોક, વિયોગ, મૃત્યુ વગેરે અગણિત દુ:ખો હોય છે.
જે સાધક આત્માને ભાવનાથી ભાવિત કરે તે આ સંસારમાં એક ક્ષણ પણ મજેથી ન રહી શકે, તેમ જ્ઞાની કહે છે કદાચ તેને પરાણે રહેવું પડે તો પણ અંતરગત ન્યારો રહે, કમળની જેમ-કમળ ભલે ઉગે કાદવમાં. વધે પાણીથી પણ રહે બેયથી ન્યારા તેમ સાધક જન્મે સંસારમાં, વધે ભોગથી, પણ રહે બંનેથી ન્યારો. આ છે ભવસ્વરૂપની ભાવનાનું પરિણામ.આ ભવસ્વરૂપની નિરંતર ભાવના કરવાથી જીવ સંસારથી વિરકત બને. ભવવિરકત બની તે સહેલાઇથી અંતર્મુખ થઇ શકે અને તેના પરિણામે આત્મસ્વરૂપને પામી શકે. આથી જેને પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય તેને ભવસ્વરૂપની ભાવના વડે ચીતને ભાવિત કરવાનો સતત પ્રયત્ન કરવો જોઇએ.
આવતીકાલે સવારે 8 થી 10-30 કલાકે પ્રદ્યુમન સ્કુલના પટાંગણમાં પ્રવચન પ્રભાવક પૂ.આ. વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા આત્માની ઓળખ કેવી રીતે કરવી અને આત્માની ભિન્ન-ભિન્ન અવસ્થાઓનું જાહેર પ્રવચનમાં વર્ણન કરશે. આત્માને જાણવા, આત્માને માણવા, આત્માને અનુભવવા અને આત્માનો સ્પર્શ કરવા આ પ્રવચનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.