દક્ષિણ એશિયામાં ભારતને તો સમગ્ર વિશ્વમાં અમેરિકા અને રશિયા જેવા વિકસિત દેશોને માત આપી પોતે મહાસત્તા બને તેવા પ્રયાસોમાં રાચતા રહેતા ડ્રેગનને પોતાની અર્થવ્યવસ્થા મજબૂત બનાવવા ભારત વિના છૂટકો જ નથી…. કારણ કે ચીન ભારતનો આયાતકર્તા વિશ્વનો બીજો દેશ બની ગયો છે. એટલે કે ભારતમાં વેપલો કરતા વિશ્વના દેશોની સંખ્યામાં ચીન બીજા ક્રમે આવી પહોંચ્યું છે. જો કે આ વાત ભારત માટે એક નેગેટિવ અસરકર્તા પણ છે.
સરહદ સહિતના ક્ષેત્રે ચીન સાથે ચાલી રહેલા વિવાદને લઈ છેલ્લા બે વર્ષથી ચીની ચીજ-વસ્તુઓનો બહિષ્કાર થઈ રહ્યો છે તેમજ ચીનમાંથી થતી આયાત ઘટાડી ભારતને આત્મનિર્ભર કરવા તરફ ભાર મુકાયો છે. પરંતુ ચાઈનીઝ ચીજોનો બહિષ્કાર અને જાણે આ વિરોધસુર ધીમો પડી ગયો હોય તેમ ભારતમાં ચીનનો વેપલો ઘટવાને બદલે વધ્યો છે. ભારતમાં નિકાસ કરનારા દેશોમાં પ્રથમ ક્રમે અમેરિકા છે.
તો અત્યાર સુધી બીજા ક્રમે સંયુક્ત આરબ અમીરાત હતું પરંતુ હવે યુએઈને પાછળ ધકેલીને બીજો ક્રમ ચીને મેળવી લીધો છે. તેમજ ચીનની ભારતમાં નિકાસ 27.53% વધીને 21.18 અબજ ડોલર થઈ છે. સરકારી આંકડા મુજબ યુએસ દેશનો ટોચનો નિકાસ ભાગીદાર રહ્યો, પરંતુ વૈશ્વિક લોકડાઉન અને કોરોનાને લીધે લોજિસ્ટિક્સમાં વિક્ષેપ વચ્ચે ભારતનો વેપાર નિકાસ અને આયાત બંને એક વર્ષમાં શિપમેન્ટ 2.78% ઘટીને 51.63 અબજ ડોલર થયું છે.
ગત નાણાંકીય વર્ષમાં ચીને આયર્ન ઓર, ઓર્ગેનિક કેમિકલ્સ અને પેટ્રોલિયમ પેદાશોની ટોચની નિકાસ કરી હતી. સરહદની તકરારને લઈને બને દેશો વચ્ચે તણાવ હોવા છતાં ગયા નાણાકીય વર્ષમાં ચીનની નિકાસમાં વધારો થયો છે. ચીનની ભારતની આયાતમાં નજીવો ઘટાડો થયો છે પરંતુ કુલ આયાતમાં તેનો હિસ્સો વધ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં હોંગકોંગ, બાંગ્લાદેશ અને સિંગાપોર ભારતના અન્ય ટોચના બજારો હતા.