કોરોનાના કારણે માંદગીના બિછાને પહોચી ગયેલા અર્થતંત્રને ધમકતુ કરવા આયોજન ઘડી કાઢવા રાજય સરકારોને વડાપ્રધાન મોદીની અપીલ

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ફેલાતો રોકવા કેન્દ્રની મોદી સરકારે ૪૦ દિવસનું દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું હતુ. આ લોકડાઉનના કારણે દેશમાં કોરોનાનો ફેલાવવાની ગતિ ઘટી હતી અને અન્ય દેશોની સરખામણીમાં દેશમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા ખૂબજ ઓછી રહેવા પામી હતી. પરંતુ, સંપૂર્ણ લોકડાઉન રહેવાના કારણે અર્થતંત્રને ભારે નુકશાન થવા પામ્યું હતુ. જેથી, તાજેતરમાં અર્થતંત્રને ધબકતું કરવા કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૧નો નિર્ણય કરાયો હતો. લોકડાઉન ખૂલતા જ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા અતિ ઝડપથી વધી રહી છે. જેથી મોદી સરકાર ફરીથી લોકડાઉનનો નિર્ણય કરે તેવી અટકળોએ જોર પકયું છે. ત્યારે ગઈકાલે દેશના રાજયના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન મોદીએ હવે લોકડાઉન નહી આવે તેવા નિર્દેશો કર્યા હતા.

અનલોક-૧માં દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલની સ્થિતિની કયાસ મેળવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા ૨૧ રાજયોનાં મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસીત પ્રદેશોનાં રાજયપાલો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંકટ સામે લડવાની સાથે સાથે આર્થિક ગતિવિધિને પણ વેગ આપવા પર જોર આપ્યું છે. આ બેઠકમાં મોદીએ જણાવ્યું કે આપણે તમામ લોકોએ એક બાબત યાદ રાખવાની છે કે, આપણે કોરોનાને જેટલો કાબૂમાં રાખીશું તેટલું જ આપણુ અર્થતંત્ર ખુલશે. ઓફીસો, માર્કેટ, ટ્રાન્સ્પોર્ટ વ્યવહાર જેવા ક્ષેત્રો ખૂલી શકશે અને રોજગારીની નવી તકો પ્રાપ્ત થઈ શકશે. અર્થતંત્રમાં ફરીથી લીલા અંકુર ફૂટી રહ્યા હોવાના કેટલાક ચિહનો જોવા મળ્યા છે. તેમ મોદીએ ઉમેર્યું હતુ.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોના સામેની લડાઈએ કેન્દ્ર અને રાજયોની સહકારી સંઘશકિતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કેન્દ્ર અને રાજયોએ સાથએ મળીને કોરોના સામે જંગ લડી અને તેને નિયંત્રીત કરી શકયા આ બેઠકમાં પીએમએ જણાવ્યું કે તાજેતરમાં અર્થતંત્ર ફરી પાટે ચડી રહ્યું હોવાનાં સંકેત મળી રહ્યા છે. અર્થતંત્રમાં સુધારો એ સારી બાબત છે. અને આગામી સમયમાં તેમાં વધુ સુધારો નોંધાશે તેમ વડાપ્રધાને જણાવ્યું હતુ.

અર્થતંત્ર ખૂલવાથી લોકોએ સુરક્ષાને સાઈડલાઈન નથી કરવાની નાગરીકોએ પોતે તેમજ તેમના પરિવારજનોને પણ સુરક્ષીત રહેવા માટે પૂરતી તકેદારી રાખવાની છે. જાહેરમાં બહાર માસ્ક પહેર્યા વગર નિકળવું અકલ્પનીય છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતુ. તેમણે સોશિલયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પણ અપીલ કરી હતી. કોરોના વાયરસથી એક પર મોત થાય તો તે ઘણુ દુ:ખદ છે.

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં ભાગ લેનારા ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પણ ફરી લોકડાઉન નથી આવવાનું તેમ જણાવીને ઉમેર્યું હતુ કે દેશમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. તે અંગે વડાપ્રધાન મોદીએ આ બેઠકમાં ચિંતા વ્યકત કરી હતી પરંતુ ફરીથી લોકડાઉન લાદવાના બદલે અન્ય વિકલ્પો પર જોર મૂકયું હતુ જેથી ફરીથી લોકડાઉનની વાતો અફવા માત્ર છે. વડાપ્રધાન મોદીએ આ બેઠકમાં અર્થતંત્રને બેઠુ કરવા ધંદા વ્યવસાયને વિકસાવવા વધુ રોજગાર ઉત્પન્ન કરવા તથા નવુ રોકાણ લાવવા રાજય સરકારોનો આયોજન કરવા પર ભાર મૂકયાનું નિતિન પટેલ અંતમાં ઉમેર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.