તાલિબાને માન્યતા મેળવવા માટે દુજ્જન માંથી સજ્જન બનવાનો કર્યો ડોળ : હવે જો માન્યતા નહીં મળે તો ગમે તે દેશ ગમે ત્યારે હુમલો કરી શકશે
અબતક, નવી દિલ્હી : તાલિબાનો ગમે તેટલી મથામણ કરે પણ તેને વૈશ્વિક માન્યતા મળવી અતિ કઠિન છે. વૈશ્વિક લેવલે તેને સ્વીકૃતિ મળવાની સંભાવના નહિવત હોય તાલિબાનો ચિંતામાં ગરક થયા છે. આ માન્યતા મેળવવા માટે તાલિબાનોએ દુજ્જનમાંથી સજ્જન બનવાનો ડોળ કર્યો છે. અને હવે છતાં પણ માન્યતા નહિ મળે તો ગમે તે દેશ ગમે ત્યારે તાલિબાનો ઉપર હુમલો કરી શકે છે.
માત્ર તાકાતથી શાસન થઈ શકતું નથી. શાસન માટે સ્વીકૃતિ જરૂરી છે. આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ હિટલર અને સદામ બન્નેની નિષ્ફળતા અને ગાંધીજીની સફળતા છે. આ વાત તાલિબાનો પણ બરાબર રીતે જાણે છે. માટે જ તેને વૈશ્વિક માન્યતા મેળવવા માટે હવાતિયાં શરૂ કરી દીધા હતા. તાલિબાનોને ખબર છે કે જો તેને વૈશ્વિક માન્યતા નહિ મળે તો અફઘાનિસ્તાન દેશ જ ગણાશે નહિ. અને પછી ગમે ત્યારે ગમે તે દેશ આવીને તાલિબાનોનો ખાત્મો બોલાવી દેશે. આ દહેશતે તાલિબનોને ચિંતામાં ગરક કરી દીધા છે.
અગાઉ તાલિબાને વૈશ્વિક માન્યતા મેળવવાના ભાગરૂપે ખરડાયેલી છબીનું મેકઓવર કરવા પોતાના વિરોધીઓ સહિત બધા જ લોકોને માફી આપવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં તાલિબાનોના અગાઉના શાસનમાં મહિલાઓની અત્યંત દયનીય હાલત થઈ હતી તેને ભૂલાવવા માગતા હોય તેમ તેમણે ઈસ્લામિક કાયદા મુજબ મહિલાઓને સરકારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તેમજ પોતાનો ઉદાર ચહેરો દર્શાવતા એક તાલિબાન નેતાએ મહિલા એન્કરને ઈન્ટર્વ્યૂ પણ આપ્યો હતો. તાલિબાનના આ ફરમાનથી આખું વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે. છતાં તાલિબાનોનું અગાઉનું શાસન જોઈ ચૂકેલા લોકો હજુ પણ તેમનાથી ભયભીત છે.
પંજશિરમાં સ્થાનિક સંગઠન તાલિબાનો ઉપર પડ્યું ભારે : 100 જેટલા આતંકીઓને મારી નાખ્યા
અફઘાનિસ્તાનના લોકો હંમેશા તાલિબાનથી છુટકારો મેળવવા માંગે છે. આવી સ્થિતિમાં, તેના વિરોધીઓએ તાલિબાનનો સામનો કરવા માટે અફઘાનિસ્તાનની પંજશીર ખીણમાં ભેગા થવાનું શરૂ કર્યું છે. બ્રિટનમાં ભણેલો અફઘાન યુવક તેના દેશમાં લડાઈનું નેતૃત્વ કરી રહ્યો છે, જ્યાં અત્યાર સુધી 60 થી 100 તાલિબાન માર્યા ગયા છે. પૂર્વ મુજાહિદ્દીન કમાન્ડરનો પુત્ર અહમદ મસૂદ ઘાતક હથિયારોથી સજ્જ વિદ્રોહીઓનું નેતૃત્વ કરી રહ્યો છે. તે તાલિબાનને સત્તામાંથી ઉથલાવવા માંગે છે. મસૂદે વચન આપ્યું છે કે તેના વિદ્રોહી દળો તાલિબાન લડવૈયાઓ સાથે તેમના છેલ્લા શ્વાસ સુધી લડશે. સેન્ડહર્સ્ટ ખાતે એક વર્ષનો લશ્કરી અભ્યાસક્રમ કરનાર મસૂદે કિંગ્સ કોલેજ લંડનમાંથી ડિગ્રી મેળવી છે.
આશરે 40 વર્ષ પહેલા, સોવિયત વિરોધી પ્રતિરોધના મુખ્ય નેતાઓ પૈકીના એક અહમદ શાહ મસૂદના પુત્રએ પંજશીર ખીણને પોતાનો ગઢ બનાવ્યો છે, જ્યાંથી તે તાલિબાનો પર પકડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તાલિબાનને પંજશીરમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
તાલિબાને પંજશિર ઉપર કબજો જમાવવા એડી ચોંટીનું જોર કર્યું
તાલિબાને રવિવારે રાતે જણાવ્યું કે તેના ‘સેંકડો’ લડાકુ પંજશીરઘાટી તરફ નીકળી ચૂક્યા છે. પંજશીર અફઘાનિસ્તાનના એ વિસ્તારોમાંનું એક છે જેનું નિયંત્રણ હજુ પણ તાલિબાન પાસે નથી.
કાબુલના ઉત્તરમાં આવેલું પંજશીર તાલિબાન વિરોધીઓનો ગઢ રહ્યો છે, જેની કમાન હવે પૂર્વ મુજાહિદીન કમાન્ડર અહમદશાહ મસૂદના પુત્ર અહમદ મસૂદના હાથમાં છે.અલ-કાયદાએ 9/11 અમેરિકાના હુમલાના બે દિવસ પહેલાં જ અહમદશાહ મસૂહની હત્યા કરી નાખી હતી.તાલિબાને પોતાના ટ્વિટર હૅન્ડલથી ટ્વીટ કર્યું કે ‘સ્થાનિક અધિકારીઓએ શાંતિપૂર્ણ રીતે પંજશીર તેમને ન આપતાં હવે ઇસ્લામી અમિરાતના સેંકજો મુજાહિદીન તેના નિયંત્રણ માટે આગળ વધી રહ્યા છે.’