લોકો પર એક પૈસાનો  પણ વેરો નાખવામાં નહી આવે: ધારાસભ્ય કાકડીયા

બગસરા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કમરતોડ વેરા વધારે બાબતે આજે સામાજિક સંસ્થાઓ તથા તમામ જ્ઞાતિના હોદ્દેદારોની ની સંયુક્ત બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સામે પક્ષે નગરપાલિકા ના સદસ્યો દ્વારા પણ પોતાની વાત મુકવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિગત અનુસાર બગસરા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વેરા વધારાથી સમગ્ર શહેરમાં વિરોધનો વંટોળ ઊઠેલો છે ત્યારે સતવારા સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં ગામના વેપારીઓ તથા વિવિધ જ્ઞાતિના હોદ્દેદારો ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત તમામ લોકોએ  નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા  વેરા વધારાના ઠરાવને રદ કરી, રાબેતા મુજબના વેરા જ વસૂલવા માંગ કરી હતી. આ તકે ઉપસ્થિત ધારાસભ્ય જે.વી. કાકડિયા દ્વારા બગસરાની પ્રજા પર એક પણ પૈસાનો નવો વેરો નાખવામાં નહીં આવે ને બાંહેધરી પણ આપવામાં આવી હતી. આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશભાઈ રાણીંગા, કિરાણા એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ હડિયલ,  પાલિકાના પૂર્વ પ્રમુખ રશ્વિનભાઈ ડોડીયા, મનીષભાઈ કામળિયા, પૂર્વ પાલિકા ઉપપ્રમુખ નાગભાઈ ધાધલ, વિનુભાઈ ભરખડા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સામા પક્ષે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સદસ્યો દ્વારા પણ પોતાની વાત રજૂ કરવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં હાલના સમયમાં વધી રહેલા ખર્ચને સરભર કરવા માટે વેરો વધારો જરૂરી હોય  તેમ જ લોકો દ્વારા થઈ રહેલી રજૂઆતો ને  ધ્યાને લઈ વેરાના દરમાં ચોક્કસ ઘટાડો કરવામાં આવશે નું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.