કેન્દ્રીય ખાતર મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતમાં ખાતરના ભાવમાં કોઈ વધારો નહીં કરાય. ખેડૂતોને જૂના ભાવથી જ ખાતર મળશે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ખાતરના ભાવ વધારામાં અને તેની ઉપલબ્ધતા અંગે દેશમાં ઊભી થયેલી સ્થિતિને લઈને ભારત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની મીટીંગ બોલાવાઈ હતી.
ખેડૂતોના હિતોને પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકારે ખાતર ઉત્પાદક કંપનીઓને ખાતરના ભાવમાં કોઈ વધારો નહીં કરવાનો નિર્દેશ આપ્યો છે. તેની સાથે ખાતર ઉત્પાદક કંપનીઓ સહમત થઈ છે તથા નોંધનીય છે કે, હવેથી ખેડૂતોને જૂના ભાવથી જ ડીએપી, એમઓપી અને એનપીકે ખાતર ઉપલબ્ધ રહેશે તેમ મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું.
ઈફકો શું કહે છે?
ઈફકોના એમડી અને ચીફ એકઝીકયુટીવ યુ.એસ.અવસ્થીએ જણાવ્યું હતુ કે કંપનીએ ખાતરનાં ભાવ વધારો કર્યો છે. પણ હાલ મંડળીઓ પાસે જેટલો સ્ટોક છે તે જૂના ભાવે જ વેચવામાં આવશે નવો સ્ટોક હવે મોકલાશે તે નવા ભાવે જ મોકલાશે. તેમણે વધુમાં જણાવ્યું કે બજારમાં ખાતરનો ભાવ પૂરતો છે. અને ખેડુતોને કોઈ મુશ્કેલી પડી શકે તેમ નથી. અમે અમારી માર્કેટીંગ ટીમને અગાઉ પેક થયેલુ ખાતર જૂના ભાવે જ વેચાણ કરવા કહ્યું છે હવે નવું પેકીંગ થશે તેજ નવા ભાવે વેચાશે હાલ નકકી થયેલા ભાવ અંદાજીત છે. ખાતર માટેના કાચા માલના આંતરરાષ્ટ્રીય ભાવ નકકી થયા નથી જેથી ઈનપૂટ કોસ્ટમાં વધારો થાય એ મુજબ ખાતરનાં ભાવમાં વધારો થઈ શકે છે.
ખેતી ખર્ચ વધતો જાય છે ‘ટેકા’ના ભાવ પૂરતા નથી
ખેતીમાં બિયારણ ખાતર તથા દવાનો ભાવ વધતો જાય છે. ખેતીમાં કામ કરનારાઓની મજૂરી વધતી જતી હોવાથી ખેતી માટે ઈન્પૂટ કોસ્ટ વધતી જાય છે. બીજી તરફ ખેતી ઉપજના ટેકાના ભાવ જાહેર કરાય છે. અને ખેડુતોને ટેકો આપી શકે તેવા પૂરતા નથી. આથી ખેડુતોને ખેતી કરવી હવે પોસાય તેમ નથી તેમ જાણકાર ખેડુતો જણાવે છે. હાલ ચોખા, બાજરો, તથા દાળના ટેકાના ભાવમાં સરકારે વધારો કરવો જોઈએ તેમ ખેડુત આગેવાન રાજવીરસિંઘે જણાવ્યું હતુ.