વ્યક્તિગત સ્વાર્થ સાધવા કરાયેલી અરજીઓને પ્રારંભિક તબક્કે કાઢી નાખવાની ફરજ ન્યાયતંત્રની છે: સુપ્રીમ
વ્યર્થ કેસ દાખલ કરીને વ્યક્તિગત સ્વાર્થને સાધવા અને ત્રાસ આપવા માટે દાખલ કરાયેલી અરજી અંગે ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સોમવારે ટ્રાયલ કોર્ટોને સુનાવણી પહેલાં જ આરોપીને મુક્ત કરીને આવા કેસને ડિસમિસ કરી દેવા આદેશ કર્યો છે.
બેબુનિયાદ કેસમાં ફસાયેલા મુકદ્દમોએ પોતાની પ્રતિષ્ઠાને બચાવવા કાયદાકીય લડતમાં ઉતરતા તેની પ્રતિષ્ઠા જોખમાતી હોય તેવું ન્યાયાધીશ એમ.એમ. શાંતનાગૌદર અને આર. સુભાષ રેડ્ડીની ખંડપીઠે જણાવ્યું હતું. ખંડપીઠે ઉમેર્યું હતું કે સુનાવણી કોર્ટની ફરજ છે પરંતુ લોકોને ત્રાસદાયક મુકદ્દમાથી બચાવવા પણ ફોજદારી ન્યાય પ્રણાલીની ફરજ છે.
અમારા ધ્યાનમાં લીધેલા મંતવ્ય છે કે, અદાલતોને ફક્ત સુનાવણી પછી આરોપી વ્યક્તિને નિર્દોષ જાહેર કરવા કે દોષિત ઠેરવવા અંગે નિર્ણય લેવાની સત્તા નથી, પરંતુ કેસ સુનાવણીના તબક્કે પહોંચે તે પહેલાં પણ કેસ જો બેબુનિયાદ હોય તો તેને કાઢી નાખવાની ફરજ પણ અદાલતોની છે. આ પ્રકારના કેસોમાં આરોપીને મુક્ત કરી દેવાથી ન્યાય પ્રણાલીના સમયની તો બચત થશે જ સાથોસાથ બંધારણની આર્ટિકલ- 21 હેઠળ દરેક વ્યક્તિને સમાનતા અને આઝાદીનો પણ અધિકાર છે તેવું ન્યાયાધીશ શાંતનાગૌદરે જણાવ્યું હતું.
કોર્ટે નોંધ્યું હતું કે, બંધારણ અને સીઆરપીસી હેઠળ પ્રારંભિક તબક્કે વ્યર્થ મુકદ્દમાની ઓળખ કરવા અને તેના નિકાલની ફરજ ન્યાયાધીશની છે. ખંડપીઠે કહ્યું હતું કે, જે વ્યક્તિને ખોટી રીતે ફસાવી આરોપી બનાવાયો હોય તે વ્યક્તિને માત્ર નાણાકીય નુકસાની જ નહીં પરંતુ સમાજમાં બદનામી અને કલંક પણ લાગે છે. જેથી ન્યાયપાલિકાએ આ પ્રકારના કેસોને વગર સુનાવણીએ કાઢી નાખવા જોઈએ.