જિલ્લામાં જમીન પચાવી પાડવાના કારસાઓ છાશવારે બની રહ્યા છે. ત્યારે સરકારે અમલમાં મુકેલા લેન્ડગ્રેબિંગ એક્ટ અંતર્ગત જિલ્લા કલેક્ટર આવા તત્વો સામે ગાળિયો કસવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.ગઈકાલે જ લેન્ડ ગ્રેબિંગ એક્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં 58 અરજીઓ ધ્યાનમાં લેવામાં આવી હતી. જેમાંથી 8 અરજીઓમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ દાખલ કરવાના આદેશો છોડવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને બેઠકમાં 58 અરજીઓ હાથમાં લીધી: 37 રિજેક્ટ, 13 પેન્ડિંગ
કોરોનાની બીજી લહેરને કારણે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટની છેલ્લા ઘણા સમયથી બેઠક મળી ન હતી. અંતે કોરોનાની બીજી લહેર સમાપ્ત થતા કલેક્ટર તંત્રને કામમાંથી થોડી રાહત મળી છે. જેને પગલે કલેક્ટર રેમ્યા મોહન દ્વારા ગઈકાલે લેન્ડ ગ્રેબિંગ એકટની બેઠક યોજી હતી. આ બેઠકમાં 58 અરજીઓ સમાવવામાં આવી હતી. આ અરજીઓમાંથી 37 અરજીઓ લેન્ડ ગ્રેબિંગ એકટમાં ન આવતી હોય તેને ડ્રોપ એટલે કે રિજેક્ટ કરવામાં આવી હતી.
જ્યારે 13 અરજીઓને પેન્ડિંગ રાખવામાં આવી હતી. વધુમાં આ બેઠકમાં 8 અરજીઓને માન્ય રાખીને પોલીસ વિભાગને તે અરજીઓમાં દર્શાવાયેલ આરોપીઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. જે હેઠળ કોઠારીયા રોડ ઉપરના સર્વે નં. 352ના પ્રકરણમાં તો આજીડેમ પોલીસે આજે જ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. જ્યારે બીજા કેસોમાં એકાદ બે દિવસમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુના દાખલ કરી કાર્યવાહી હાથ ધરાશે તેવું જાણવા મળી રહ્યું છે.