નેશનલ ન્યુઝ
2002ના કોમી રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર કરનાર અને તેના પરિવારના 14 સભ્યોની હત્યા કરનાર 11 દોષિતોની સજા માફ કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની માંગ કરતી અરજીઓના બેચ પર સુપ્રીમ કોર્ટ આજે તેનો ચુકાદો આપ્યો છે. અરજીઓમાં બિલ્કીસ દ્વારા દાખલ કરાયેલી એક અરજીનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ બાબત એવી છે કે, ગુજરાતી સરકારે રેમિશન પોલિસી હેઠળ તમામ દોષિતોની સારી ચાલ-ચલનના આધારે જેલમુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો જયારે બીજી બાજુ આ ગુન્હાને રેરેસ્ટ ઓફ રેર ગણી દોષિતોને જેલમુક્ત કરી શકાય નહિ તેવો તર્ક આપવામાં આવ્યો છે. હવે સુપ્રીમ કોર્ટએ એવુ માન્ય છે કે, આ મામલો રેરેસ્ટ ઓફ રેર ગણાય અને તેથી સારી ચાલ-ચલનના આધારે દોષિતોનો છુટકારો કરી શકાય નહિ.
જસ્ટિસ બી વી નાગરથ્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે ઓક્ટોબરમાં કાર્યવાહી પૂર્ણ કરી હતી અને દોષિતો સહિત તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આજે આ મામલે અદાલતે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. અદાલતે ચુકાદામાં અવલોકન કર્યું છે કે, સજા આરોપીઓને સુધારવા માટે આપવામાં આવે છે પણ આ મામલે દોષિતોને સજા માફી આપી શકાય નહિ કારણ કે, અત્યંત ક્રૂરતાપૂર્વક દોષિતોએ સગર્ભા મહિલા સાથે દુષ્કર્મ આચર્યું અને 3 વર્ષની બાળકી સહીત 14 લોકોની હત્યા નીપજાવી હતી. અદાલતે ગુજરાત સરકાર દ્વારા અપાયેલી 11 દોષિતોની જેલમુક્તિને રદ્દ કરી દીધી છે.
સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારે તેમની વહેલી મુક્તિને મંજૂરી આપવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે આ અપરાધને “રેરેસ્ટ ઓફ રેર ” ગણી શકાય નહિ અને તેમને સમાજમાં સુધારણા અને પુનઃ એકીકરણ કરવાની તક આપવી જોઈએ. જેની સામે ખંડપીઠે પૂછ્યું હતું કે શા માટે માફીની નીતિ પસંદગીયુક્ત રીતે લાગુ કરવામાં આવી રહી છે અને અન્ય ઘણા કેદીઓ એવા છે જેમણે માફીના માપદંડો પૂરા કર્યા છે તેમ છતાં તેઓ જેલમાં જ છે.બિલ્કીસ બાનુએ તેની રજૂઆતમાં બેન્ચને કહ્યું હતું કે રાજ્યએ ગુનાના પ્રકારને ધ્યાનમાં લીધા વિના તેમને માફી આપી છે અને તેઓ કોઈ પણ પ્રકારની હળવાશને પાત્ર નથી કારણ કે દોષિતોને બિલકુલ પસ્તાવો નથી.
મામલાની જો વાત કરવામાં આવે તો બિલ્કીસ 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી જ્યારે તેણી પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેની ત્રણ વર્ષની પુત્રી 14 પરિવારના સભ્યોમાં સામેલ હતી જેમની હત્યા કરવામાં આવી હતી.ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ તમામ 11 દોષિતોને માફી આપી જેલમુક્ત કરવામાં આવ્યા હતા જે પછી તરત જ સામાજિક કાર્યકરો અને રાજકારણીઓ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અરજીઓનો સમૂહ દાખલ કરવામાં આવ્યો હતો. બિલ્કીસ નવેમ્બરમાં સર્વોચ્ચ અદાલતમાં ગઈ હતી.
સીપીએમ નેતા સુભાષિની અલી, સ્વતંત્ર પત્રકાર રેવતી લાઉ, લખનૌ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપ રેખા વર્મા અને ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા જેવા કેટલાક અરજદારો છે જેમણે સજા માફી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.દોષિતોએ રજૂઆત કરી હતી કે તેઓએ પહેલેથી જ ઘણું સહન કર્યું છે અને 14 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા છે અને તેમને તેમના પરિવારના સભ્યો સાથે ફરીથી એક થવાની મંજૂરી આપવી જોઈએ. તેમની સ્વતંત્રતા “છીનવવી ન જોઈએ” એવી વિનંતી કરતાં તેઓએ કહ્યું હતું કે અદાલતે સુધારાત્મક અભિગમ અપનાવવો જોઈએ અને તેમને પોતાને સુધારવાની તક આપવી જોઈએ.