કોરોનાની મહામારી અને સરકારી ગાઇડલાઇનની ઉપર વટ જઇ ફી વસુલવાના પ્રયાસથી રાજકોટ ઠાકોર સાહેબ નારાજ
વિદ્યાર્થી અને કર્મચારીઓના હિત જળવાય તેવી માંગ સાથે ટ્રસ્ટી મંડળને પત્ર દ્વારા રજૂઆત
દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા રાજકુમાર કોલેજ દ્વારા થઇ રહેલી ફીની વસુલાતના જેતપુર દરબાર સાહેબ અને ટ્રસ્ટ સેક્રેટેરી શંકરસિંહને રાજકોટના ઠાકોર સાહેબ અને પૂર્વ વિદ્યાર્થી માંધાતાસિંહજી જાડેજાએ એક પત્ર પાઠવીને હમણાં સ્કુલની ફી સદર્ંભે કોઇ વાલી વિદ્યાર્થીને ફોન ન કરવા,પત્ર પણ લખવા નહીં. તેમ જ દરેક કર્મચારીના પણ હીતની કાળજી લેવા સ્પષ્ટ અને કડક શબ્દોમાં તાકીદ કરી છે.
આખું વિશ્વ કોવીડ-૧૯,કોરોનાની મહામારી સામે જંગ લડી રહ્યું છે. ગુજરાત સરકારે તમામ શૈક્ષણિક સંસ્થાને આ વર્ષે ફીમાં વૃધ્ધિ ન કરવા, છ માસ સુધી ફીની ઊઘરાણી પણ ન કરવા અને કોઇ સ્ટાફને છુટ્ટા ન કરવા આદેશ કર્યો છે.
શહેરના શાળા સંચાલકોએ પણ સરકારના આદેશ અને માર્ગદર્શિકાનો અમલ કરી રહ્યા છે. ત્યારે રાજકુમાર કોલેજ દ્વારા આ નિમયોનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું છે જે શરમજનક બાબત છે તેમ માંધાતાસિંહજીએ જેતપુર દરબાર સાહેબ ઓફ મહિપાલસિંહ વાળાને પત્ર લખ્યો છે.
ટ્રસ્ટે નિર્ણય કરી લેવો જોઇએ કે છ માસ સુધી વિદ્યાર્થી પાસે ફી વસુલવામાં નહીં આવે. માંધાતાસિંહજીએ ઉમેર્યું છે કે રાજકુમાર કોલેજનું વિઝન, ધ્યેય અને માનવીય કરુણા એ બન્ને ક્યારેય અલગ નથી રહ્યાં.
આ શિક્ષણ સંસ્થાના પાયામાં આખરે તો પ્રજાભિમુખ,પ્રજાવત્સલ રાજવીઓના સંસ્કાર પડ્યા છે ત્યારે જો આપણા જ વિદ્યાર્થી અને કર્મચારીનું હીત આપણે નહીં વિચારીએ તો કોણ વિચારશે?
આ પત્રના અંતે એમણે ત્રણ માંગણી કરી છે.
એક તો ચોક્કસ સમય માટે રાજકુમાર કોલેજની ફીનું ધોરણ ઘટાડો,ફીની ઉઘરાણી હમણાં કોઇ પણ સ્વરુપે ન કરવી. બીજું કર્મચારીને પૂરતું વળતર નિયત સમયે જ આપો,કોઇને છુટ્ટા ન કરવા અને આર્થિક શિસ્ત પાળે એ પણ જરુરી છે.
સંસ્થાની પ્રતિષ્ઠા, વિદ્યાર્થી વાલીનું તથા કર્મચારીનું હીત જાળવવા માટે આ પગલાં લેવા જરી છે તેમ અંતમાં માધાતાસિંહજીએ જણાવ્યું છે.