વધુ વ્યાજ પડાવવા વ્યાજખોરે દિવ્યાંગને ઘરમાં ઘૂસી ધમકી આપી
દિવ્યાગ વેપારીને છરી બતાવી તેના વાહનમાં કરી તોડફોડ : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટ શહેરમાં વ્યાજખોરોને ખાખીનો થોડો પણ ખોફ ન રહ્યો હોય તેમ બેફામ બન્યા છે.ત્યારે વધુ એક વ્યાજખોરનો ત્રાસ સામે આવ્યો છે જેમાં કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટી માં રહેતા અને 50 ફૂટ ના રોડ ઉપર પાનની દુકાન ધરાવતા વેપારીને વ્યાજખોરે વધુ વ્યાજ પડાવવા માટે તેના ઘરમાં ઘૂસી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેના વાહનમાં તોડફોડ કરી હતી.આ મામલે વેપારીએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સોની પરિવાર ના ત્રાસથી કંટાળી સામુહિક આપઘાત કર્યો હતો જે મામલો હજુ પણ ઠંડો નથી પડ્યો ત્યાં વધુ એક વ્યાજખોરનો ત્રાસ સામે આવ્યો છે.
વિગતો મુજબ કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં રહેતા કિશનભાઈ ધનસુખભાઈ ખમેચાએ પોતાની ફરિયાદમાં આરોપીના વિનોદનગરમાં ઓફિસ ધરાવતા અજય ગોહેલનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું છે કે તે જન્મથી દિવ્યાંગ છે. 2021 ની સાલમાં અજયની વિનોદનગર પાસે આવેલી આગમન એન્ટરપ્રાઈઝ નામની ઓફિસે જઈ રૂા.50 હજા2 વ્યાજે લીધા હતા. જેની 100 દિવસની ડાયરી બનાવી હતી. તેને 100 દિવસમાં રૂા.10 હજા2 વ્યાજ ભરવાનું હતું. જે તે વખતે અજયે 10 હજા2 વ્યાજ કાપી 40 હજાર તેને આપ્યા હતા. તે દરરોજ 500નો હપ્તો ભરતો હતો. 100 દિવસમાં રકમ ચુકવી દીધી હતી.ત્યારબાદ દવાખાનાના કામ માટે જરૂરીયાત ઉભી થતા રૂા.15 હજા2 10 ટકા વ્યાજે અને તેના 15 દિવસ બાદ વધુ 15 હજાર 10 ટકા વ્યાજે આ બંને રકમ ભરપાઈ કરી દીધી હતી.
ગઈ તા.15 ના રોજ મોડી રાત્રે અજય તેના ઘરે ધસી આવ્યો હતો. તે માતા ભાવનાબેન સાથે ઉપરના માળે સુતો હતો ત્યારે ત્યાં આવી જોરથી દરવાજો ખટખટાવી દેકારો કર્યો હતો. તે જાગી જતા તેણે કહ્યું કે તારે હજી રૂપીયા 80 હજાર આપવાના છે, તને ફોન કરૂ છું તો કેમ ઉપાડતો નથી. આટલુ કહ્યા બાદ ગાળો ભાંડી, છર કાઢી, ટી શર્ટ ઉંચુ કરી કહ્યું કે આ છરી કે મારતા વાર નહી લાગે જેથી તેણે અને તેના માતાએ બુમાબુમ કરતા અજય તેના શર્ટનો કાઠલો પકડી, ધક્કો મારી નીચે ગયા બાદ ડેલી પાસે પડેલા તેના એકસેસમાં પથ્થરના ઘા ઝીંકી તોડફોડ કરી હતી. એટલુ જ નહી આજે સવારે તું મારા વિરૂધ્ધ ફરિયાદ કરીશ તો મજા નહી આવે, ગઈકાલે તો માત્ર છરી બતાવી હતી, હવે તે મારવી પડશે તેમ કહી ધમકી આપી હતી. તેણે બે કોરા ચેક સિકયુરીટી પેટે આપ્યા હતા. જે પણ હજુ પરત કર્યા નથી. જેથી ભકિતનગર પોલીસે અજય ગોહેલ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.