‘યે આગ કબ બુઝેગી’ કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાનું લક્ષ્ય પૂરું કરવા માટે સરકાર કૃષિ ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ અને ખાસ કરીને નિકાસ ક્ષેત્રને મજબૂત કરી આર્થિક ફૂગાવા અને વિકાસ દરના ઉતાર-ચઢાવ જેવા નકારાત્મક પરિબળોને સાઈડ આઉટ કરીને અર્થતંત્રના વિકાસ અને ખાસ કરીને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ ઉભુ કરવા સરકારે હાથ ધરેલી નીતિ વચ્ચે કૃષિ બીલ મુદ્દે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે થયેલી મડાગાંઠ ઉકેલવા માટેના સઘળા પ્રયત્નો અત્યારે જો અને તો અને સંભાવનાના પરીઘમાં વિટળાઈને નિશ્ર્ચિતપણે આ મડાગાંઠ ઉકેલવાના બદલે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચેની આ આગ વધુ ફેલાય અને આગ ઠરશે નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે રચેલી સમીતીની ગાડી જ પાટા પરથી નીચે ઉતરી જાય તેવા ‘સીગ્નલ’ મળી રહ્યાં છે. ્રસરકાર અને આંદોલનકારીઓ વચ્ચે યોજાનારી નવમી અને અંતિમ બેઠક પૂર્વે જ આંદોલનકારીઓએ નવા કાયદાનો અમલ અટકાવવાની હઠ પકડી રાખી છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમીટીના સભ્યોમાંથી એક એવા બી.એસ.માને આ મડાગાંઠ ઉકેલવા માટે પોતાના સક્રિય યોગદાનના બદલે હાથ અધ્ધર કરી લેતા આ કમીટીની ગાડી જ અવળે પાટે ચડી જાય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે.

ભારતીય કિસાન સંઘના આગેવાન અને અન્ય ત્રણ જેટલા સંગઠનોએ કમીટીની પ્રથમ બેઠકમાં જ ચર્ચામાં ભાગ ન લેવાનું જાહેર કરી દીધું હતું. ભુપેન્દ્રસિંગ માને તો પોતાના હાથ અધ્ધર કરી લેતા સ્પષ્ટ જણાવ્યું છે કે, ખેડૂત તરીકે અને નેતા તરીકે હું ખેડૂત અને કૃષિ હિત માટે કોઈપણ જાતનું બલીદાન આપવા તૈયાર છું, હું પંજાબ અને ખેડૂતોના હિતમાં કોઈપણ પ્રકારની બાંધછોડવા કરવા તૈયાર નથી, હું મારા ખેડૂતો અને પંજાબ સાથે છું, અને સાથે જ રહેવાનો. બીજી તરફ અનિલ ખાણવટે પણ પોતે સમાધાનમાં અને આગળના કાર્યક્રમોમાં પોતે સંપૂર્ણપણે ખેડૂતો સાથે હોવાનું અને તેમના અહિતમાં કોઈને પણ ટેકો ન આપવાની જાહેરાત કરી છે. જો મારૂ આ વલણ સરકારને ગ્રાહ્ય ન હોય તો હું મારી રીતે સમીતીમાંથી બહાર નીકળી જઈશ. હું અને મારૂ ક્ષેત્રીય સંગઠનના તમામ સભ્યો જરૂર પડે તો આંદોલનકારીઓના દિલ્હીની સરહદે સામેલ થઈ જઈશ. આ યોગેન્દ્ર અને ગલાટી સહિતના તમામ સમીતીના સભ્યો પણ ખેડૂતો સાથે હોવાનો મત વ્યકત કરી રહ્યાં છે. સરકારે બનાવેલી સમીતીમાં જ કોઈ સભ્ય રહેવા નથી માંગતું. સુપ્રીમની આ સમીતી બાળ મરણના આરે પહોંચી ગઈ છે. આંદોલનકારીઓએ લઘુતમ ટેકાના ભાવોના બદલે ભાવ બાંધણાની માંગ કરી છે.

આંદોલનકારીઓ અને સરકાર વચ્ચેની મડાગાંઠ ઉકેલવા માટે પ્રથમ દિવસથી જ શરૂ થયેલા પ્રયાસો એક કે બીજા કારણે પરિણામ સુધી પહોંચતા નથી. આંદોલનકારીઓ પ્રથમ તબકકામાં જ કૃષિ વિધેયક પાછા ખેંચવા, લઘુતમ ટેકાના ભાવોનું ભાવ બાંધણું, પરાળ સળગાવવા અને વિદ્યુત અધિનિયમ અંગેની માંગણીઓ સરકાર પાસે મુકી હતી. જેમાં સરકારે વિદ્યુત અધિનિયમ અને પરાળ સળગાવવાના બનાવમાં દંડ અને સજાની જોગવાઈમાં ખેડૂતોની માંગણી સ્વીકારી લીધી હતી. જ્યારે કૃષિ બીલ અને એમએસપી મુદ્દે કોઈ નિર્ણય થયો ન હતો. ખેડૂતોએ જણસના લઘુતમ ટેકાના ભાવોના બદલે ભાવ બાંધણું અને કોઈપણ સંજોગોમાં ત્રણેય કૃષિ બીલોનો અમલ અસ્વીકાર્ય ગણાવ્યો હતો. બીજી તરફ સરકાર પક્ષે કૃષિ બીલનો અમલ અનિવાર્ય હોવાનું સાફ કરી દીધું હતું અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ આ મામલો ઉકેલવા માટે સમીતીની રચનાની પરિસ્થિતિનો સ્વીકાર કર્યો હતો. કૃષિ તજજ્ઞો અને નિષ્ણાંતોની ચાર સભ્યોની સમીતીની રચના કરીને આ સમીતીના નિર્ણય પર કૃષિ બીલ અંગે આગળની રણનીતિનો અમલ કરવાનો સરકારે ‘વલણ’ સ્પષ્ટ ર્ક્યું હતું.

દિલ્હીની સરહદ પર ચાલી રહેલા આંદોલનને દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છતાં આ મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. દરમિયાન સુપ્રીમ કોર્ટે આંદોલનકારીઓની પરિસ્થિતિ અંગે સરકાર પાસે અનેકવાર ખુલાસાઓ અને આ મામલો ગમે તે રીતે ઉકેલાય જાય તેવો આગ્રહ રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે રચેલી સમીતીના નિર્ણય પર કૃષિ બીલનું ભાવી મુકાયું છે ત્યારે આ સમીતી પર તમામની મીટ મંડાયેલી હતી. પરંતુ હવે સમીતીમાં જ ફાટફૂટની પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે અને સમીતીના સભ્યોએ પોતાનું વલણ સંપૂર્ણપણે ખેડૂતો તરફ જાહેર કર્યું છે અને સમીતીના વરિષ્ઠ ગણાતા બે સભ્યોએ ખેડૂતોના હિતની વાતો કરવા લાગતા સુપ્રીમ કોર્ટે રચેલી સમીતી જ ભંગાણના આરે પહોંચી ગઈ છે. ભુપેન્દ્રસિંગ માન અને અનિલ ઘનવટની જાહેરાતને લઈને સુપ્રીમ કોર્ટની આ સમીતીમાં જ ભંગાણ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે.

દેશમાં કૃષિ ક્ષેત્રના વિકાસની અનિવાર્યતાને ધ્યાને લઈ સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ ત્રણેય કૃષિ કાયદાનો અમલ કોઈપણ સંજોગોમાં અનિવાર્ય છે. તો બીજી તરફ આંદોલનકારીઓએ આ મડાગાંઠ ઉકેલવાના બદલે વધુ ગુંચ પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી છે. આંદોલનકારીઓએ કૃષિ બીલ પાછું ખેંચવા સીવાય કોઈ વિકલ્પ ન હોવાનું જાહેર કરી દીધું છે. સરકાર માટે આ કાયદો હવે પાછો ખેંચવો અશક્ય છે. સમગ્ર મામલો સરકાર અને આંદોલનકારીઓ વચ્ચેનો રહ્યો નથી. હવે આ મામલે સુપ્રીમ કોર્ટની દિવાલ ઉભી થઈ ગઈ છે અને સંપૂર્ણપણે રાજકીય વણાંકના ત્રિભેટે આવીને ઉભેલી આ પરિસ્થિતિ હવે તાત્કાલીક ઉકેલાય તેવું દેખાતું નથી.

આજે નવમાં તબક્કાની અંતિમ મીટીંગ પણ કોઈપણ નિર્ણય વગર સમેટાઈ જાય તેવી પરિસ્થિતિ વચ્ચે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચેની આ આગ ઠરવાનું નામ લેતી નથી. વળી આ આગ વધુ ભડકે તેવા સંજોગો સ્પષ્ટ થયા છે. સરકારને કાયદો પાછો ખેંચવો એટલે ડોસી મરે તેનો વાંધો નહીં પરંતુ જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે…

દેશમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ સરકાર માટે અનિવાર્ય છે. ફૂગાવાના દરને કાબુમાં રાખી વિદેશ વેપાર અને ઔદ્યોગીક ઉત્પાદન વધારવા માટે કૃષિ ઉત્પાદન અનિવાર્ય છે. ખેડૂતોની આવક બમણી કરી કૃષિ અને કૃષિકારોના વિકાસ માટેના પ્રયોજનો સફળ થાય તો જ પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરના અર્થતંત્રનું સપનું સિદ્ધ કરવા માર્ગ મોકળો બને તેમ છે. સ્થાનિક ધોરણે ફૂગાવાનો દર કાબુમાં રાખવા માટે આયાત ક્ષેત્રને ઘટાડી સ્થાનિક ઉત્પાદનોની અવેજીનો ઉપયોગ વધારવા માટે કૃષિ પેદાશો અનિવાર્ય છે. વળી ખેડૂતોને પોતાની પેદાશોને લઘુતમ ટેકાનો ભાવ મળી રહે તે માટે ભાવ બાંધણું અનિવાર્ય છે. બેલેન્સ ઓફ ટ્રેડ એટલે કે, વેપારનું સંતુલન અને ખાસ કરીને વિદેશી વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર-વ્યવહારના સ્થાનિક ઉત્પાદનને વધારવા અને ખાસ કરીને ખેડૂતોની આવક વધારી કૃષિ પેદાશોનો વૃદ્ધિદર પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા જરૂરી છે. ભારતનું કૃષિ ક્ષેત્ર તમામ પ્રકારની જરૂરીયાતો પૂરી કરવા સમર્થ છે. સ્થાનિક રોજગારીથી લઈ વિદેશી હુડીયામણની બચત અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના વિનીમય દરને સંતુલીત રાખવા માટે ખેડૂતો અને ખેતી સમર્થ છે તેવા સંજોગોમાં ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે જો આર્થિક ધોરણે મજબૂત બનવું હોય તો કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહિત કરવું જરૂરી છે. અલબત અત્યારના સંજોગોમાં કૃષિ બીલને લઈને આંદોલનકારીઓ અને સરકાર વચ્ચેની આ આગ બુઝાવવાના બદલે વધુ ફેલાય તેવા સંજોગો અને પરિબળોએ અવશ્ય ચિંતા જગાવી છે. આજની આંદોલનકારીઓ અને સરકાર વચ્ચેની બેઠક પણ કંઈ ઉકાળે તેવું દેખાતું નથી.

સુપ્રીમની કમીટીનું ‘બાળ મરણ’ થઈ જશે

Supreme Court of India 1

આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે પડેલી મડાગાંઠ ઉકેલવા રચાયેલી સમીતીના સભ્યોમાં જ વૈચારિક વિસંગતતા ઉભી થઈ છે. સમીતીના સભ્યો પૈકી ભુપેન્દ્રસિંગ માન અને અનિલ ઘંઘવટેએ પોતે સંપૂર્ણપણે ખેડૂતોના હિતમાં હોવાની જાહેરાત કરી દીધી છે અને જણાવ્યું છે કે, હું કોઈપણ સંજોગોમાં આંદોલનકારીઓની વિમુખ નહીં જાઉ અને જરૂર પડે તો આંદોલનમાં પણ જોડાઈ જઈશ. ભુપેન્દ્રસિંગ માને પણ જાહેર કરી દીધું છે કે, હું પંજાબ અને કહેવાતા ખેડૂતોના હિતમાં આંદોલનકારીઓની સાથે છું અને રહેવાનો. આમ સુપ્રીમ કોર્ટે રચેલી સમીતીના સભ્યોમાં જ પ્રથમ બેઠક પૂર્વે જ હાથ અધ્ધર કરી લેવાની પરિસ્થિતિ ઉભી થતા આ સમીતીનું કોઈપણ પ્રયાસો વગર જ બાળ મરણ થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ૯માં તબક્કાની બેઠક શરૂ થાય તે પહેલા જ સુપ્રીમ કોર્ટની સમીતીના સભ્યોએ જ પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી લીધા છે. ગુલાટીએ પોતે આ આંદોલનમાં ખેડૂતોના હિતમાં રહેવાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. માને પણ પોતાનો પક્ષ સ્પષ્ટતા કરતા આંદોલનકારીઓ તરફે રહેવાની હિમાયત કરી દીધી છે.

આ સમીતી પર કૃષિ કાયદાનું ભવિષ્ય નક્કી કરવાની જવાબદારી આવી પડી છે તેવા સંજોગોમાં સમીતી કોઈપણ નિર્ણય અને પરિણામ આપે તે પહેલા જ તેનું બાળ મરણ થાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

વડાપ્રધાનનું ૫ ટ્રીલીયન ડોલરના અર્થતંત્રનું સપનું સાકાર કરશે

૧ એપ્રિલથી નવી વિદેશ નીતિનો અમલ

modi 4

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાનું સરકારનું સપનું ઉભુ કરવા માટે ૧લી એપ્રીલથી અમલમાં આવનાર નવી વિદેશ વેપાર નિતી મહત્વની સાબીત થશે. ૧લી એપ્રીલ ૨૦૨૧થી પાંચ વર્ષ માટે અમલીય બનનારી આ નવી વિદેશ વેપાર નીતિ વેપાર અને ઉદ્યોગ મંત્રાલયે જાહેરાત કરી છે. દેશમાં આર્થિક વિકાસદર વધારવાની સાથે સાથે કૃષિ પેદાશો અને સ્થાનિક ઉત્પાદનોની નિકાસ વૃદ્ધિ માટે ઉત્પાદન વૃદ્ધી, કોસ્ટ કટીંગથી સ્થાનિક ચીજવસ્તુઓના પડતર ભાવોમાં ઘટાડો, આંતર માળખાકીય સુવિધાઓ,

પરિવહન સુવિધાઓને સધ્ધર કરી ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવો મળી રહે તે માટે કૃષિ પેદાશોના નિકાસની વૃદ્ધિ અને આયાતની અવેજીમાં સ્થાનિક વપરાશમાં વધારો કરી ભારતના અર્થતંત્રને મજબૂત બનાવતા વિદેશી હુંડીયામણના બચાવ અને નિકાસ ક્ષેત્રના વધારેલા વ્યાપથી દેશનું અર્થતંત્ર મજબૂત બનશે. નવી વિદેશ વેપાર નીતિના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું અર્થતંત્રના વિકાસનું સપનું સાકાર થશે.

ઈથેનોલથી સોયાબીનની ખેતી ભારત-અમેરિકા વચ્ચે વેપારનો એક નવો અધ્યાય: ગડકરી

niting

ઉત્તમ ખેતી… કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્રનો ઉદ્ધાર કરવા માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ અનિવાર્ય છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે કોમોડીટીનું એક લીસ્ટ જારી કરીને વિદેશ વેપાર અને ખાસ કરીને ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વિસ્તરણ માટે આવશ્યક વસ્તુઓની યાદી બહાર પાડી કહ્યું હતું કે, ભારત ઈથેનોલથી લઈને સોયાબીન સુધીની નિકાસ કરીને અમેરિકા સાથે કૃષિ વેપારનો મહત્તમ ફાયદો લઈ શકશે. લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગને કૃષિ ક્ષેત્રના સહયોગથી વધારવા માટે એક આગવી નીતિ તૈયાર કરવામાં આવી છે. ભારતમાં અનાજ, ઘઉં, દૂધ, મત્સ્ય અને કપાસની આપુરતીની સમસ્યા રહી છે ત્યારે લઘુતમ ટેકાના ભાવોની મદદથી આંતરરાષ્ટ્રીય ભાવ મુજબના ભાવ કૃષિ ક્ષેત્રને મજબૂત કરી શકે છે. આપણી પાસે ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન વિપુલ છે પરંતુ તેની યોગ્ય માવજતના અભાવથી ખોટનો ધંધો કરવો પડે છે. અમેરિકા સાથેના સહયોગથી દેશમાં જણસ જાળવણીની વ્યવસ્થા કરવામાં આવશે. પાંચ લાખ કરોડના અમેરિકા-ભારત વચ્ચેના વેપારમાં મત્સ્ય, મધ, વાસ, જવ જેવા વેપાર અને ઈથેનોલથી લઈ સોયાબીન સુધીના પરસ્પરના વેપારથી ભારત અને અમેરિકાનો વેપાર વ્યવહાર ખુબજ મોટા પ્રમાણમાં વિસ્તરી શકે તેમ છે. સરકારે ઈથેનોલના ઉત્પાદનની મર્યાદામાં હટાવીને ઈથેનોલને

અવેજના બળતણ તરીકે વાપરવાની છુટ આપી છે ત્યારે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો અને ઈથેનોલના નિકાસથી વિદેશી હુડીયામણનો મોટો લાભ થશે.  ભારત અને અમેરિકા વચ્ચે સોયાબીનથી લઈ ઈથેનોલની મોટી તક રહેલી છે.

દુનિયામાં ખેતી જ એક એવો ધંધો છે જે ‘એકે હજ્જારા’નું આપે વળતર

ઉત્તમ ખેતી… ઝડપથી પૈસાવાળા થવા માટે ઈઝી મની કમાવવા આડા અવળા ધંધા કરવાનું જોખમ લેવું પડે છે. ઓછી મુડી પણ વધુ જોખમ કરી પૈસાવાળા થવા માટે દારૂ વેંચો તો ૧૦૦ ટકા, ગાંજો વેંચોતો ૧૫૦૦ ટકા, સોનાની દાણચોરીમાં ઉંચો નફો મળે, ડ્રગ્સમાં ૫૦૦ ટકા નફો મળે પણ મોતનું જોખમ રહે. તમામ ગેરકાનૂની ધંધામાં સલામતી, ઈજ્જત અને જીવન દાવ પર લગાવવું પડે છે. દુનિયામાં ખેતી જ એક એવો વ્યવસાય છે કે જેમાં એકે હજ્જારાનું વળતર મળે છે. કણના મણ અને એકના સેંકડો ગણુ વળતર આપતા ખેતીમાં જેટલો લાભ અને વળતરનો દર છે તેવું ક્યાંય નથી. ઉત્તમ ખેતી અને મધ્યમ વેપાર ગણવામાં આવે છે. જો કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોને યોગ્ય વાતાવરણ, વળતર અને પ્રોત્સાહન આપવામાં આવે તો ખેતી કરનાર સૌથી વધુ કમાઈ શકે છે. ભારતમાં વિશાળ જમીન, પાણી અને માનવ શક્તિ પડેલી છે ત્યારે દેશના વિકાસ માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો એ શાણપણ ગણાશે અને આ જ દિશામાં દેશની તરક્કી પડેલી છે.

કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઔદ્યોગિક કલ્સ્ટર અને નિકાસ ક્ષેત્રને મજબૂત કરવું જોઈએ

કૃષિ કાયદાના અમલ સામે આંદોલનકારીઓ વિરોધ કરી રહ્યાં છે. દેશને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ અનિવાર્ય છે. ખેડૂતોને પુરતા ભાવો મળી રહે તે માટે સ્થાનિક ધોરણે ઔદ્યોગીક વિકાસ, ફૂડ પ્રોસેસીંગ યુનિટ, કોલ્ડ સ્ટોરેજ ચેઈનનું નિર્માણ કરવું જોઈએ. દેશમાં નાશવંત જણસની ટકાવારી ૩૩ ટકા છે. વિદેશમાં માત્ર ૧ થી  ૨ ટકા વસ્તુ જ નાશ પામે છે. ભારતમાં આ ટકાવારી ઘટાડવા માટે ચીજવસ્તુઓની જાળવણીની વ્યવસ્થા થવી જોઈએ. ઔદ્યોગીક કલ્સ્ટરનો વિકાસ કરવામાં આવે તો કપાસ, મગફળી, તેલીબીયા, શણ, ડુંગળી જેવી વસ્તુઓનો ખેડૂતોને પુરતો ભાવ મળે અને નિકાસ ક્ષેત્ર પણ મજબૂત થાય. ઔદ્યોગીક વિકાસ અને કલ્સ્ટરનું નિર્માણ કૃષિ ક્ષેત્રને  ખરા અર્થમાં વિકસાવી શકે તેમ છે.

મોસમ પ્રમાણે બદલતા ભાવ ખેતીને નુકસાન કરે છે

કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્ર માટે ખેતી મુખ્ય ધરોહર છે પરંતુ કમનસીબે ભારતની ખેતી સંપૂર્ણપણે કુદરત આધારીત છે. દાયકામાં બે ત્રણ વર્ષ અતિવૃષ્ટિ અથવા તો અનાવૃષ્ટિના કારણે નિષ્ફળ જાય છે. મૌસમ પ્રમાણ બદલતા ભાવ ખેડૂતોને ઉભા થવા દેતા નથી. ડુંગળી, લસણ, કપાસ, શાકભાજી, મગફળી જેવા મુખ્ય પાકો તૈયાર થાય ત્યારે ભાવ ગગડી જાય છે. ખેડૂતો પાસે માલ સાચવવાની વ્યવસ્થા ન હોવાથી ગરજના ભાવે પોતાનો માલ વેંચવો પડે છે. મૌસમ પ્રમાણે બદલતા ભાવ ખેડૂતોના નુકશાનનું સૌથી મોટુ કારણ છે. જો ખેડૂત પાસે પોતાનો માલ સાચવવાની સારી વ્યવસ્થા હોય તો ખેડૂતો પાસે બે ગણી નહીં અનેક ગણી વધી શકે તેમ છે.

ખેડૂતોના ખળામાં માલ આવે એટલે ભાવ સડસડાટ તળીયે બેસી જાય. ખેતીનો ખર્ચ પૈસાની જરૂરીયાત અને જાળવણીની વ્યવસ્થાના અભાવે ખેડૂતોને લાખનો માલ પાયના ભાવે વેંચવો પડે છે. જેવો ખેડૂતોના હાથમાંથી માલ જાય એટલે ભાવ ફરીથી ચડી જાય. ભાવની આ ચડ-ઉતરની રમત બંધ થઈ જાય અને ખેડૂતો માલ વેંચવામાં પોતાનો નિર્ણય સ્વાયત રીતે લઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થાય તો જ ખેડૂતો ખરા અર્થમાં જગતના તાત બની શકે.

જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવથી ફૂગાવો વધે છે

કૃષિ પ્રધાન ભારતમાં અર્થતંત્ર માટે ખેતી મુખ્ય આધાર છે. ખેતીની જણસ અને કૃષિ ઉત્પાદન અર્થતંત્ર માટે અનિવાર્ય છે તેવા સંજોગોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ, ફૂગાવો વધારે છે. તાજેતરમાં જ આવેલા આંકડાઓમાં ડિસેમ્બર મહિનામાં આર્થિક ફૂગાવો ૧.૨ ટકા જેટલો આવ્યો છે જે ગયા વર્ષે ૧.૬ અને ૨.૮ ટકા કરતા ખુબજ ઓછો છે. બજારમાં અનાજની નવી આવક, શાકભાજીના કારણે જીવન-જરૂરી ચીજવસ્તુનો ભાવ ઘટ્યો છે. ડુંગળીના ભાવમાં વધારો આવતા ડિસેમ્બર મહિનામાં ફૂગાવો વધ્યો હતો. જથ્થાબંધ ફૂગાવાની પરિસ્થિતિ આ વર્ષે નિયંત્રણમાં છે. કૃષિ ઉત્પાદન સારૂ થતાં ઘરેલું ચીજવસ્તુઓનું ઉત્પાદન વધતાં ફૂગાવો નિયંત્રણમાં આવ્યો હતો. જથ્થાબંધ ભાવો વધે તો ફૂગાવો વધે અને સ્થાનિક ધોરણે જીવનજરૂરી ચીજવસ્તુનો ભાવ નીચો આવે તો  ફૂગાવો ઘટે તેવી પરિસ્થિતિમાં ફૂગાવાને નિયંત્રણમાં રાખવા માટે બેલેન્સ ઓફ ટ્રેડ એટલે કે વેપારનું સંતુલન આવશ્યક બને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.