અગાઉ કોરોના સંક્રમણ દરમિયાન 8 વાર મુદ્દતમાં વધારો કરાયા બાદ હવે કોઈ છૂટછાટ નહીં આપવાનો પરિવહન મંત્રાલયનો નિર્ણય
અબતક, નવી દિલ્લી
કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને વાહનોની પરમિટ અંગે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ(આરસી) જેવા દસ્તાવેજોની માન્યતા માટેની સમય મર્યાદાને આગળ વધારવાનો ઇનકાર કર્યો છે. આ સમયમર્યાદા હવે લંબાવવામાં આવશે નહીં. જો આમાંથી કોઈ પણ દસ્તાવેજ રિન્યુ કરાવવો હોય તો તમારી પાસે 31 ઓક્ટોબર સુધીનો સમય છે.
જો તમારા ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી અને વાહન પરમિટ જેવા આ દસ્તાવેજોની માન્યતા સમાપ્ત થવાની છે, તો તેમને રિન્યૂ કરવા માટે 17 દિવસ બાકી છે. આ દસ્તાવેજોની માન્યતા માટેની અંતિમ તારીખ અગાઉ 31 ઓક્ટોબર 2021 નક્કી કરવામાં આવી હતી. જેથી તમે 31 ઓક્ટોબર પછી ડ્રાઇવિંગ કરતી વખતે આ ગેરકાયદેસર દસ્તાવેજો સાથે પકડાયા છો, તો તમારે દંડ ભરવો પડશે.
કોરોનાકાળ દરમિયાન સરકારે આરટીઓ કચેરીમાં ભીડ અને ચેપને રોકવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજોના રીન્યુમાં છૂટછાટ આપી હતી. પરંતુ હવે સરકારે આ મુક્તિને દૂર કરવાનો નિર્ણય કર્યો છે. પરિવહન મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર 31 ઓક્ટોબર પછી આ દસ્તાવેજોમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં.
જો તમારા ડ્રાઈવિંગ લાયસન્સની માન્યતા 1 ફેબ્રુઆરી 2020 પહેલા સમાપ્ત થઈ ગઈ હતી, તો તે અત્યાર સુધી માન્ય માનવામાં આવતું હતું. પરંતુ સરકારના તાજેતરના આદેશ બાદ 31 ઓક્ટોબર 2021 પછી તેઓ ગેરકાયદેસર ગણાશે.
કોરોનાકાળ દરમિયાન અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી, ફિટનેસ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજોની માન્યતાની 8 વાર લંબાવવામાં આવી છે. કોરોનાકાળ દરમિયાન મોટર વાહન અધિનિયમ,1988 અને કેન્દ્રીય મોટર વાહન નિયમો,1989 થી સંબંધિત દસ્તાવેજોની માન્યતા પહેલા 30 માર્ચ 2020 સુધી હળવા કરવામાં આવી હતી. ત્યારબાદ આ તારીખો 9 જૂન 2020 સુધી લંબાવાઈ. જે બાદ તબક્કાવાર ઓગસ્ટ,2020, 27 ડિસેમ્બર 2020, 26 માર્ચ 2021, 17 જૂન 2021, 30 સપ્ટેમ્બર 2021 અને 31 ઓક્ટોબર 2021 કરી દેવામાં આવી હતી.