- પાન-મસાલા પાછળ લોકો 4 ટકાથી પણ ઓછો ખર્ચ કરે છે: માથાદીઠ સરેરાશ માસિક ખર્ચમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 23મા ક્રમે: ગુજરાત કરતા સિક્કિમવાસીઓ રૂપિયા વાપરવામાં પાવરધા
એક તો મોંઘવારી અને તેમાં પણ શહેરના ખર્ચા. સામાન્ય આવક જ નહીં પણ સારી એવી આવક ધરાવતા પરિવારો માટે પણ સારું જીવન જીવવું અને થોડી બચત કરવી અશક્ય છે. આજકાલ ગ્રામ્ય જીવન પણ એટલું સસ્તુ અને સહેલું નથી રહ્યું, પરંતુ શહેરી જીવન ખૂબ જ અઘરું અને મોંઘુ થતું જાય છે. આ સાથે જરૂરિયાતો અને મોજશોખ વચ્ચે ઝાઝો ફરક રહ્યો નથી. આથી સરેરાશ મધ્યવર્ગીય પરિવારો પણ ગજ્જા બહારનો ખર્ચ કરી રહ્યા છે. એક સર્વે અનુસાર ગુજરાતના લોકો ખાવાપીવા માટે જ કુલ ખર્ચના 47 ટકા ખર્ચી નાખે છે.માથાદીઠ સરેરાશ માસિક ખર્ચમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 23મા ક્રમે છે, કેન્દ્ર સરકારના અહેવાલમાં જણાવાયું છે. ગ્રામીણ ગુજરાતમાં લોકોનો સરેરાશ એમપીસીએ રૂ. 4,116 છે, જ્યારે શહેરી ગુજરાતમાં લોકોનો રૂ. 7,175 છે. ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 9,377 અને શહેરી વિસ્તારોમાં રૂ. 13,927ના એમપીસીએ સાથે સિક્કિમ દેશમાં ટોચ પર છે. ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 8,857ના એમપીસીએ અને શહેરી વિસ્તારોમાં રૂ. 13,425ના એમપીસીએ સાથે ચંદીગઢ બીજા ક્રમે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ રૂ. 7,771ના ગ્રામીણ એમપીસીએ અને રૂ. 10,453ના શહેરી એમપીસીએ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતના ગામડાઓમાં રહેતા લોકો એક મહિનામાં થતાં પરિવારના કુલ ખર્ચમાંથી 49 ટકા અને શહેરોમાં રહેતા લોકો 42 ટકા ખર્ચ ભોજન પાછળ કરે છે. ગામડાંમાં કુલ માથાદીઠ ખર્ચ રૂ. 3,798 અને શહેરોમાં રૂ. 6,621 છે. બંને વચ્ચે 74 ટકાનો તફાવત છે. ગુજરાતીઓ એક મહિનામાં થતા કુલ ખર્ચમાંથી સરેરાશ 46 ટકા ખર્ચ ભોજન પાછળ કરે છે.પાન, તમાકુ અને માદક દ્રવ્યો ગ્રામીણ વિસ્તારોમાં 3.84% અને શહેરી વિસ્તારોમાં 2.37% ખર્ચ ધરાવે છે. દવાઓ પરનો ખર્ચ ગ્રામીણ વિસ્તારોમાં એમપીસીએના 6.83 ટકા અને શહેરી વિસ્તારોમાં એમપીસીએના 5.85 ટકા જેટલો છે.