લગ્ને લગ્ને કુંવારો!!
એક-બે નહીં પરંતુ અલગ-અલગ 14 દેશમાં જઈ લગ્ન કર્યા
બોલીવુડનું ફિલ્મ લેડીઝ વર્સીસ રિકી બેહલમાં, મુખ્ય પાત્ર જે રિકી બેહલ છે તેવું જ કૃત્ય કરતા એક શખ્સની ઘટના અત્યારે જોરશોરથી ચર્ચામાં આવી છે. આ શખ્સે 100થી વધુ યુવતીઓ સાથે લગ્ન કર્યા અને અચરજની વાત એ છે કે કોઈને ખબર પણ ન પડવા દીધી! આ પુરુષનું નામ જીઓવાન્ની વિગ્લિઓટ્ટો છે. તેને સૌથી વધુ લગ્ન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 100 થી વધુ મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન 1949 થી 1981 ની વચ્ચે થયા હતા. નવાઈની વાત એ છે કે લગ્ન છૂટાછેડા વગર થયા છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે ટ્વિટર પર આનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જીઓવાન્ની વિગ્લિઓટ્ટોની વાર્તા કહેવામાં આવી છે. જેમાં એવું કહેવાય છે કે તેનું અસલી નામ જીઓવાન્ની વિગ્લિઓટ્ટો નહોતું, પરંતુ તેણે તેની છેલ્લી પત્ની સાથે લગ્ન કર્યા ત્યારે આ જ નામનો ઉપયોગ કર્યો હતો. તે 53 વર્ષની ઉંમરે પકડાયો હતો.
બાદમાં તેણે દાવો કર્યો કે તેનો જન્મ 3 એપ્રિલ, 1929ના રોજ ઇટાલીના સિસિલીમાં થયો હતો, તેણે તેનું અસલી નામ નિકોલાઈ પેરુસ્કોવ આપ્યું હતું. જોકે, પછીથી ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેનું અસલી નામ ફ્રેડ ઝિપ હતું અને તેનો જન્મ 3 એપ્રિલ, 1936ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો.
વિગ્લિઓટોએ 1949 અને 1981 ની વચ્ચે 104-105 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા, તેમની કોઈ પત્ની એકબીજાને જાણતી ન હતી. તે પણ વિગ્લિઓટ્ટો વિશે બહુ ઓછી જાણતી હતી. એવું કહેવાય છે કે તેણે આ લગ્ન અમેરિકાના 27 અલગ-અલગ રાજ્યો અને અન્ય 14 દેશોમાં કર્યા છે. દરેક વખતે તે નકલી ઓળખ સાથે આવું કરતો હતો. લગ્ન કર્યા બાદ તે પત્નીના પૈસા અને અન્ય કિંમતી સામાન લઈને ભાગી જતો હતો.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડની વેબસાઈટ અનુસાર, તે મહિલાઓને કહેતો હતો કે હું દૂર રહું છું અને તેથી તમારો બધો સામાન મારી પાસે લાવો. અને જ્યારે મહિલાઓનું પેકિંગ કરવામાં આવતું હતું, ત્યારે વિગ્લિઓટો ટ્રકમાં તેમનો સામાન લઈને ભાગી જતો હતા. પછી તે ફરી જોવા મળ્યો ન હતો, તે ચોર બજારમાં તમામ ચોરીનો માલ વેચતો હતો. અહીંથી જ તે અન્ય મહિલાઓનો શિકાર કરતો હતો.તેની સામે અનેક ફરિયાદો હોવા છતાં, તે છટકી જવામાં સફળ રહ્યો હતો, જોકે તેની છેલ્લી પીડિતા, એક મહિલાએ તેને ફ્લોરિડામાં, યુએસએમાં પકડ્યો હતો. આ મહિલાનું નામ શેરોન ક્લાર્ક હતું અને તે ઇન્ડિયાનાના થીફ માર્કેટમાં મેનેજર તરીકે કામ કરતી હતી.
અહીં અધિકારીઓએ 28 ડિસેમ્બર, 1981ના રોજ વિગ્લિઓટ્ટોને પકડ્યો હતો. ત્યારપછી જાન્યુઆરી 1983માં તેની સામે ટ્રાયલ શરૂ થઈ. તેને કુલ 34 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત, તેને 3,36,000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે પોતાના જીવનના છેલ્લા 8 વર્ષ એરિઝોના સ્ટેટ જેલમાં વિતાવ્યા. 1991માં 61 વર્ષની વયે બ્રેઈન હેમરેજને કારણે તેમનું અવસાન થયું હતું.