- તા.17ના બપોરના ચાર થી તા.18ના રાતના એક વાગ્યા સુધી ભારે વાહનને મોવિયા સર્કલથી ડ્રાયવર્ઝન કરાશે
- પડધરીથી આવતા ટ્રક, ટેન્કર અને ટ્રેલર નેકનામ, મિતાણા, ટંકારા થઇ રાજકોટ આવશે
રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ પર આગામી તા.17મી જુને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર ટી-20 મેચ દરમિયાન રાજકોટ અને પડધરી વચ્ચે ટ્રાફિક જામ ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી જામનગરથી રાજકટો તરફ આવતા ભારે વાહનોને પડધરીના મોવિયા સર્કલ પાસે જ અટકાવી નેકનામ, મિતાણા, ટંકારા થઇ રાજકોટ આવવાનું ડ્રાર્યવઝન કરાયું છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભારતની ટી-20ની ટીમ તા.15 જુને રાજકોટ આવી જશે ભારતની ટીમને સયાજી હોટલમાં રહેશે જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ પણ આવતીકાલે આવી જશે દક્ષિણ આફ્રિકાની ટીમના ખેલાડીઓને 150 ફુટ રીંગ રોડ પર આવેલી ફોરચ્યુર્નર હોટલમાં રાખવામાં આવનાર હોવાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા બંને હોટલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તા.17 જુને ભારત અને દક્ષિણ આફિકા વચ્ચે ટી-20 મેચ રમાશે ત્યારે જામનગર રોડ પરના ખંઢેરી સ્ટેડીયમની આજુબાજુ ટ્રાફિક જામ થઇ શકે તેમ હોવાથી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા ટ્રાફિક જામની સ્થિતીને પહોચી વળવા માટે કરાયેલી દરખાસ્ત અંતર્ગત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઠકકર દ્વારા તા.17ના બપોરે ચાર વાગ્યાથી તા.18ના રાતના એક વાગ્યા સુધી જામનગરથી આવતા ટ્રક, ટેન્કર અને ટ્રેલર જેવા ભારે વાહન પડધરીના મોવિયા સર્કલ પાસે જ અટકાવી નેકનામ, મિતાણા થઇ રાજકોટમાં પ્રવેશ કરી શકે તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરી પડધરીથી સિધા રાજકોટ તરફ આવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએનના વાહન, એસ.ટી.બસ, સરકારી વાહન, શબવાહીની, એમ્બ્યુલન્સ, ફાયર ફાયટર, ક્રિકેટ મેચની ટિકિટ કે પાસ હશે તેઓને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત ખંઢેરી સ્ટેડીયમની આજુબાજુના ગામના રહીશો પોતાના રહેણાંકનો પુરાવો બતાવે તેઓને જાહેરનામુ લાગુ નહી પડે તેમ જણાવવામાં આવ્યું છે.
મેચ દરમિયાન એસપીના સુપર વિઝન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
બંદોબસ્તમાં લગેજ સ્કેનરની મદદ લેવાશે: સીસીટીવી કેમેરાનો કંટ્રોલ રૂમ બનાવાશે: બે એક્જીક્યુટીવ મેજીસ્ટ્રેટ બંદોબસ્તમાં જોડાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે તા.17 જુને રમાનાર ટી-20 મેચ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના સુપર વિઝન હેઠળ પાંચ ડીવાય.એસ.પી., 10 પી.આઇ, 40 પીએસઆઇ, 232 એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, 46 ટ્રાફિક પોલીસનો સ્ટાફ, 64 મહિલા પોલીસ અને બે ટીમ બીડીડીએસ બંદોબસ્તની કામગીરી સંભાળશે, ખંઢેરી સ્ટેડિયમ પર વાંધાજનક વસ્તુ લઇ જતી અટકાવવા માટે બે લગેજ સ્કેનરની મદદ લેવામાં આવી છે.
સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ ઉભો કરાશે, બે ફાયર ફાયટર અને બે એમ્બ્યુલન્સને સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે. બંદોબસ્તમાં બે એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની મદદ લેવામાં આવશે તેમજ 35 એચ.એચ.એમ.ડી, 30 વોકીટોકી અને એક વાયરલેસ સેટ સાથે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સ્ટેડીયમમાં બેગ, ટિફિન, લાઇટર અને કેમેરા લઇ જવા પર પ્રતિબંધ
ખંઢેરી સ્ટેડીયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચની ટિકિટ કે પાસ સાથે આવતા પ્રેક્ષકોને સ્ટેડીયમની અંદર બેગ, ટિફિન, ખાવાની વસ્તુ, પાણીની બોટલ, બીડી, માચીસ, લાઇટર, કેમેરો, મોબાઇલ, લાકડી જેવા હથિયાર લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.
મેચ નિહાળવા આવેલા બાજુના પ્રેક્ષક સાથે વિનમ્ર વ્યવહાર કરવો, પોલીસ સ્ટાફની સુચનાનું પાલન કરવું, નિયત કરેલા દરવાજેથી જ પ્રવેશ અપાશે, સ્ટેડીયમમાં પ્રવેશ મેળવ્યા બાદ મેચ પુરો ન થાય ત્યાં સુધી બહાર નહી નીકળી શકાય, કોઇ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તેને અડવુ નહી અને તાત્કાલિક પોલીસને જાણ કરવા, પ્રેક્ષકો દ્વારા કોઇ વસ્તુ ગ્રાઉન્ડમાં ફેકતા પકડાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજકોટ રૂરલ પોલીસ એસપી જયપાસિહં રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પેક્ષકોએ વાહન નિયત સ્થળે પાર્ક કરવા પોલીસની અપીલ
ખંઢેરી સ્ટેડીયમમાં મેચ પૂર્વે અને મેચ પુરો થયા બાદ ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોવાથી પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમનનું પાલન કરવા અનુરોધ કર્યો છે. તેમજ નિયત સ્થળે પોતાના વાહનો પાર્ક કરવા અપીલ કરી છે. ટ્રાફિક નિયમનનું ઉલંઘન કે રોંગ સાઇડમાં ડ્રાઇવીંગ કરતા વાહન ચાલક સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, વાહનને રોડ પર કે ગમે તે સ્થળે આડેધડ વાહન પાર્ક કરવા પર મનાઇ ફરમાવી આવા વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરવામાં આવશે, પાર્ક કરેલા વાહનને બરોબર લોક કરવા અને અસુરક્ષિત ન રાકવા રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે જણાવ્યું છે.