- મુખ્યમંત્રીના આગમનના બે કલાક પહેલા જ અરજદારોને કોર્પોરેશન કચેરીમાં આવતા રોકી દેવાયાં, ભારે રોષ: કોર્પોરેશન ચોક અને કનક રોડ પર ટ્રાફીક જામની સમસ્યા
- તમામ સેવાઓ ચાલુ રાખવાની ગઇકાલે કરાયેલી જાહેરાતનું આજે બાષ્પીભવન: નેતાઓ અને અધિકારીઓને માત્ર સીએમના સ્વાગતમાં જ રસ
કોર્પોરેશનના 49 વર્ષના ઇતિહાસમાં આજે પ્રથમવાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું આગમન થયું હતું. આ ઘડી ચોક્કસ ઐતિહાસિક કહી શકાય પરંતુ અરજદારો માટે આજનો દિવસ હાલાકી ભર્યો રહ્યો હતો. ભલે સીએમનું આગમન થવાનું હોય પરંતુ આજે મહાપાલિકાની તમામ સેવાઓ અરજદારો માટે ચાલુ રહેશે.
કનક રોડ પરનો દરવાજા પરથી લોકોને પ્રવેશ આપવામાં આવશે અને વાહન પાર્કિંગની વ્યવસ્થા બસ સ્ટેશનમાં કરવામાં આવી છે તેવી ઘોષણા ગઇકાલે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ આજે કચેરી ખૂલ્યાના 45 મિનિટ બાદ પોલીસ તંત્ર દ્વારા કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં અરજદારો માટે નો-એન્ટ્રી જાહેર કરી દેવામાં આવી હતી. આ અંગે મેયર સહિતના પદાધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં તેઓએ આંખ આડા કાન કર્યાં હતા અને હોતા હૈ ચલતા હૈની નીતી અપનાવી લીધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવતા હોય અરજદારોએ હાલાકી વેઠવી પડશે તેવી દહેશત અગાઉથી જ જણાઇ રહી હતી. દરમિયાન ગઇકાલે ખૂદ મહાપાલિકા તંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે આજે મહાપાલિકાની તમામ સેવાઓ ચાલુ રહેશે અને અરજદારો માટે કનક રોડ પરનો દરવાજો ખૂલ્લો રાખવામાં આવશે. વાહન પાર્કિંગની વ્યવસ્થા બસ પોર્ટ ખાતે કરવામાં આવી છે.
જો કે, કચેરી ખૂલ્યા બાદ 45 મિનિટ સુધી અરજદારોને કોર્પોરેશનને લગતા કામ માટે કચેરીએ એન્ટ્રી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે સામાન્ય અરજદારોને અગત્યના કામ માટે પણ પ્રવેશ આપ્યો ન હતો. બહારગામથી અને શહેરમાં દૂરદૂરના વિસ્તારથી આવતા અરજદારોને ધરમના ધક્કા થયા હતા. ધોમધગતા તાપમાં વિનંતી કરવા છતાં પોલીસ તંત્રના અધિકારીઓ એકના બે થયા ન હતા. જેના કારણે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આજે જો પ્રવેશ આપવાના ન હતા તો આવતીકાલે એવી જાહેરાત કરી દેવાની જરૂર હતી કે કાલે કોર્પોરેશન કચેરી બંધ રહેશે તેવો બળાપો પણ કેટલાક લોકોએ ઠાલવ્યો હતો. આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તેઓને માત્રને માત્ર જાણે સીએમને આવકારવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું હતું. પરિણામે લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા.
અગાઉ અરજદારોને પોલીસ દ્વારા એવું કહેવામાં આવતું હતું કે બપોરે બે વાગ્યા પછી આવજો પરંતુ જેમ-જેમ મુખ્યમંત્રીનું આગમન મોડું થયું તેમ-તેમ અરજદારો માટે સમય અવધિ પણ વધતી ગઇ અને એવું કહેવામાં આવતું હતું કે બપોરે ચાર વાગ્યા પછી આવજો. સામાન્ય રીતે આ સમયે કચેરીમાં ઉંડેઉંડે જેવો માહોલ જોવા મળે છે અને કોઇ કામ પૂર્ણ થતાં નથી. આવતીકાલે બીજા શનિવારની રજા હોય હવે અરજદારોને સોમવારે ફરી ધક્કો ખાવો પડશે. મુખ્યમંત્રીના આગમનના કારણે કોર્પોરેશન ચોક અને કનક રોડ પર ભારે ટ્રાફીક જામની સ્થિતિ સર્જાઇ જવા પામી હતી.