સવારે આવેલા ૪.૮ની તીવ્રતાના ભૂકંપ બાદ તમામ સંકુલોમાં નુકશાની અંગે ચેકિંગ
આજે સવારે આવેલા ૪.૮ની તિવ્રતાના ભૂકંપથી કોર્પોરેશનની કોઈ મિલકતને નુકશાન નથી પહોંચ્યું ને તે અંગે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ત્રણેય ઝોનના સિટી એન્જીનીયરને તત્કાલ સર્વે કરવા સુચના આપવામાં આવી હતી. દરમિયાન આજે બપોરે મ્યુનિ.કમિશનર દ્વારા એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, ભૂકંપના આંચકાથી કોર્પોરેશનને કોઈપણ પ્રકારનું નુકશાન થયું નથી અને તમામ સંકુલો સલામત છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે સવારે આવેલા ભૂકંપના આંચકા બાદ સંબંધીત અધિકારીઓને મહાપાલિકાના તમામ સંકુલોમાં નુકશાનીનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો હતો. તમામ સિટી એન્જનીયરોએ સંબંધીત શાખા અધિકારીઓ દ્વારા ત્વરીત ચેકિંગ હાથ ધર્યું હતું અને ભૂકંપના તિવ્ર આંચકા બાદ હાથ ધરાયેલા ચેકિંગમાં એક પણ સંકુલને નુકશાન પહોંચ્યું ન હોવાનું જણાવ્યું હતું. તમામ ફેસેલીટી પણ સહી સલામત છે. ભૂકંપ બાદ આજી-૧ ડેમ, આજી પમ્પીંગ સ્ટેશન, ફિલ્ટર પ્લાન્ટ, સંમ્પ હાઉસ, વિવિધ હેડવર્કસ, ન્યારી-૧ ડેમ, પમ્પીંગ સ્ટેશન, ફિલ્ટર પ્લાન્ટ, માધાપર, ગવરીદળ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૈયાધાર, ઘંટેશ્ર્વર ખાતેના વોટર ફિલ્ટર પ્લાન્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ હસ્તકના બે ટ્રાન્સફર સ્ટેશન, રૈયાધાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સિટી બસ અને બીઆરટીએસ બસ સ્ટોપ સહિતની કોઈપણ ઈમારતને નુકશાન પહોચ્યું નથી. અધિકારીઓ દ્વારા વોર્ડ નં.૧૭માં આનંદનગર કોલોની, વોર્ડ નં.૧૦માં ગુજરાત રૂરલ હાઉસીંગ બોર્ડ કોલોની તથા વોર્ડ નં.૬માં હાઉસીંગ બોર્ડ કોલોનીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યાં પણ કોઈજાતની નુકશાની જોવા મળી નથી.