રૂ. 280 કરોડના ડ્રગ્સનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું: કરાંચીના મુસ્તાક નામના પેડલરે પાર્સલ મોકલ્યાનો ખુલાસો
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ(એટીએસ)એ રાજ્યના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં 9 ક્રૂ સભ્યો સાથેની પાકિસ્તાની બોટને પકડી પાડી રૂ. 280 કરોડની કિંમતનું 56 કિલો હેરોઈન જપ્ત કર્યું છે તેવું સંરક્ષણ પ્રવક્તાએ સોમવારે સતાવાર રીતે જણાવ્યું હતું.
એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કોસ્ટ ગાર્ડે બોટ પર ગોળીબાર કરવો પડ્યો હતો કારણ કે ઇન્ટરસેપ્ટર જહાજ દ્વારા પડકારવામાં આવ્યા બાદ પાકિસ્તાની જહાજ લઈને ભાગી જવાનો પ્રયાસ કરાયો હતો. ફાયરિંગ દરમિયાન બેથી ત્રણ ક્રૂ મેમ્બર્સને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
સંરક્ષણ પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોસ્ટ ગાર્ડ જહાજે સોમવારે વહેલી સવારે ભારતીય જળસીમામાંથી પાકિસ્તાની બોટ ‘અલ હજ’ને અટકાવી ધરપકડ કરી હતી. અધિકારીઓને બોટ પર રૂ. 280 કરોડની કિંમતનું હેરોઈન મળી આવ્યું હતું. નિવેદનમાં જણાવાયું હતું કે, બોટ અને ક્રૂ સભ્યોને વધુ તપાસ માટે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર પર લાવવામાં આવ્યા હતા.
ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખાથી લગભગ 15 નોટિકલ માઈલ દૂર સોમવારે વહેલી સવારે અરબી સમુદ્રની ભારતીય બાજુએ જપ્તી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે કોસ્ટ ગાર્ડના જવાનોએ પાકિસ્તાની બોટ પર ગોળીબાર કરવો પડ્યો હતો કારણ કે ઇન્ટરસેપ્ટર જહાજ દ્વારા પડકારવામાં આવ્યા બાદ ક્રૂએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
એટીએસ દ્વારા આપવામાં આવેલી ટિપ-ઓફના આધારે કોસ્ટ ગાર્ડ જહાજ આંતરરાષ્ટ્રીય સીમા તરફ આગળ વધી રહ્યું હતું. પાકિસ્તાનના જહાજને ઝડપી લેવાના પ્રયાસ દરમિયાન કોસ્ટ ગાર્ડે પીછો કરતાં કેટલાક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, તેવું ભાટિયાએ એટીએસ હેડક્વાર્ટર ખાતે જણાવ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું છે કે, આ રેકેટ પાછળ કરાચી સ્થિત સ્મગલર મુસ્તફાનો હાથ હતો. ભાટિયાએ જણાવ્યું હતું કે, જો તેઓ દાણચોરી કરવામાં સફળ થયા હોત તો આ પાર્સલ ઉત્તરી રાજ્યમાં લઈ જવાનો પ્લાન હતો. મહત્વપૂર્ણ બાબત છે કે, એક જ અઠવાડિયામાં હેરોઈનનો આ બીજો મોટો જથ્થો હતો. અગાઉ ગુરુવારે ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ કંડલા પોર્ટ પાસેથી રૂ. 1400 કરોડની કિંમતનું લગભગ 260 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું જે લગભગ છ મહિના પહેલા જ ત્યાં આવી ગયું હતું.
એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે ગોળીબારમાં નવ ક્રૂ સભ્યોમાંથી ત્રણને ગોળી વાગી હતી અને બંને એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવેલી અલગ-અલગ તસવીરોમાં તેઓને બતાવવામાં આવ્યા નથી. જો કે, એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી.
કંડલા બંદરે રૂ. 1400 કરોડનો હેરોઇન મંગાવનાર આયાતકારની પંજાબથી ધરપકડ કરાઈ !!
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશન હેઠળ કંડલા પોર્ટ પરથી એક આયાતકારની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ. 1439 કરોડનું 205.6 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડ સ્થિત એક કંપની દ્વારા આયાત કરાયેલ માલની હાલમાં ડીઆરઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ પાર્સલ ઈરાનના બંદર અબ્બાસ બંદરથી કંડલા બંદરે પહોંચ્યું હતું. તેમાં “જીપ્સમ પાવડર”ના 17 ક્ધટેનરમાં 10,318 બેગ હતી, જેનું કુલ વજન 394 મેટ્રિક ટન છે. તપાસ દરમિયાન આયાતકાર ઉત્તરાખંડમાં રજિસ્ટર્ડ સરનામે મળી આવ્યો ન હતો. તે મુજબ, આયાતકારને પકડવા માટે દેશભરમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ડીઆરઆઈએ આયાતકારને શોધવા માટે સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. સતત નાસતા ફરતા આયાતકારને ઝડપી લેવા કરાયેલા પ્રયાસોના પરિણામસ્વરૂપે આયાતકારને પંજાબના એક નાના
ગામમાંથી પકડી લેવામાં આવ્યો છે. ડીઆરઆઈએ એનડીપીએસ એક્ટની જોગવાઈઓ હેઠળ આ આયાતકારની ધરપકડ કરી છે અને તેને રવિવારે સ્પેશિયલ ડ્યુટી મેજિસ્ટ્રેટની અમૃતસર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ડીઆરઆઈ અધિકારીઓને આયાતકારને ભુજ ખાતેની કોર્ટ સમક્ષ રજૂ કરવા ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે.
ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતને ક્યારેય સ્વર્ગ નહીં બનવા દેવાય: ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
જે રીતે છેલ્લા અમુક મહિનામાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સતત ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે મામલામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું છે કે, ગુજરાતમાં ડ્રગ્સના દુષણને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતને ક્યારેય સ્વર્ગ નહીં બનવા દેવામાં આવે તેવું નિવેદન હર્ષ સંઘવીએ આપ્યું છે. વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું છે કે, ડ્રગ્સના દુષણને ડામવા પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સી સતત કાર્યરત છે.