- અગ્નિકાંડને લઈને મંત્રી નિવેદન આપતી વેળાએ રડી પડ્યા
- દુર્ઘટના બની તેના બીજા જ દિવસથી હું રાજકોટમાં છું, મારાથી બનતી તમામ કાર્યવાહી કરી અધિકારીઓના સતત સંપર્કમાં છું : ભાનુબેનની સ્પષ્ટતા
- રાજકોટના અગ્નિકાંડને લઈને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ કોઈ ગુનેગારોને છોડવામાં નહિ આવે તેવું નિવેદન આપ્યું છે. આ નિવેદન આપતી વેળાએ તેઓ દુર્ઘટનાને લઈને ભાવુક થઈને રડી પણ પડ્યા હતા.
બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે આ ઘટના બની તેના બીજા જ દિવસથી હું રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓના સંપર્કમાં છું. જ્યારે ડીએનએ ટેસ્ટ થયા, તેના માટે ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી. જે લોકોના મૃત્યુ થયા હતા તેમના મૃતદેહ પરિવારને મળી જાય તેના માટે હું સતત ચિંતા કરતી હતી. તેમને જ્યારે પ્રશ્ન પૂછાયો કે ભાજપના જ કોઈ એક ધારાસભ્યએ ભલામણ કરી હતી અને ડિમોલીશન અટકી ગયું હતું. તેમાં ભાનુબેનનું નામ હશે તો તેઓ શું કરશે તો તેમણે કહ્યું કે તેઓ જાહેર જીવન છોડી દેશે. આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેહગાર હોય એમને છોડવા જોઈએ નહીં. મુખ્યમંત્રી એ જ દિશામાં કામ કરી રહ્યા છે કે કોઈ પણ ગુનેહગારને છોડવામાં નહીં આવે.
વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની દુઘટર્ના બાદ અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે અને ફાયર એનઓસી માટે નોટિસ પણ આપવામાં આવી છે. આ ઘટના બનવી ન જોઈએ. સરકાર યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં સારા પરિણામ આવશે તેવું મને લાગે છે. જે કોઈ દોષિતો હશે તેના મૂળ સૂધી સીટ જશે.
જવાબદારોને ન છોડવાના મક્કમ નિર્ધાર સાથે જ સીટની રચના કરાઈ : ગોવિંદભાઇ પટેલ
ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુઘટર્નામાં સીટ કોઈને છોડશે નહીં. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો સામે પગલા લેવામાં આવશે. તેઓએ કહ્યું કે દુર્ઘટના શરમજનક છે. આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે સરકાર સતર્ક છે. જેથી ઉચ્ચ કક્ષાની સીટની રચના કરી દીધી છે. સીટ જે દિશામાં કાર્યવાહી કરી રહી છે અને એક્શન લઈ રહી છે તે યોગ્ય છે. જેમાં જે કોઈ પણ જવાબદાર છે તેમને સરકાર છોડશે નહીં તેવા મક્કમ નિર્ધાર સાથે જ સીટની રચના કરવામાં આવી છે. રાજકોટની ઘટનાને કારણે રાજ્યભરમાં જ્યાં જ્યાં અસુવિધાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે.