સતત વધી રહેલા કોરોનાના કેસોને લઈને રાજય સરકાર ચિંતિત-નાયબ મુખ્યમંત્રી
રાજય સરકારે 1 રૂપિયામાં થ્રી લેયર માસ્ક મળે તેવી વ્યવસ્થા કરી
હાલ રાજયભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈને રાજય સરકાર સતત ચિંતિત છે. જેને લઈને આરોગ્યની ટીમ સતત ખડેપગે રહી કામગીરી કરી રહી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં મહાનગરોમાં કોરોનાનો કેસો અસંખ્ય રીતે વધી રહ્યા છે. ત્યારે કોરોના કામગીરી અંગેની સમીક્ષા કરવા આજરોજ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ સાથે આરોગ્ય સચિવ જયંતિ રવ્રિએ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પત્રકાર પરિષદ સંબોધી હતી.
આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે મિડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતુકે ગુજરાત રાજયમાં કોરોનાના કેસોની દિન પ્રતિદિન સંખ્યા વધી રહી છે. ત્યારે તમામ જિલ્લાઓ, શહેરોમાંથી કોરોનાની સારવાર માટે માહિતી મંગાવવામાં આવી છે. મહાનગરો ઉપરાંત મોરબી જેવા શહેરોમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. તે ગંભીર છે.
રાજકોટ શહેરની પરિસ્થિતિ ઉપર ખૂદ મુખ્યમંત્રી ધ્યાન આપી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને જોતા ખાસ કરીને અમદાવાદમાં બેડ વધારવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. વધુમાં જણાવ્યું હતુ કે છેલ્લા સાતેક દિવસથી એકાએક કેસો વધ્યા છે. ત્યારે અમદાવાદની મંજુશ્રી હોસ્પિટલમાં 208 બેડ તૈયાર કરાશે. આ હોસ્પિટલનું મેનેજમેન્ટ સિવિલને સોંપાયું છે. આ ઉપરાંત એસવીપી હોસ્પિટલમાં વધુ 500 બેડ, એસએમ શાહ ખાનગી મેડીકલ કોલેજમાં 240 બેડ જીસીએસ હોસ્પિટલમાં 160 બેડ, યુએન મહેતા હોસ્પિટલમાં 130 બેડ તો કેન્સર હોસ્પિટલમાં 175 બેડ તૈયાર કરાયા છે. શહેરમાં 488 બેડ દર્દીઓ માટે હજુ પણ ખાલી છે.રેમડેસીવર ઈન્જેકશન અંગે જણાવ્યું હતુ કે કોરોના દર્દીને પ્રથમ દિવસે રેમડેસીવર ઈન્જેકશનના બે ડોઝ અપાશે. વેકિસનના જથ્થા અંગે જણાવ્યું હતુ કે રાજય સરકાર વેકિસન માટે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છે. અને 15 લાખથી વધુ વેકિસનનો જથ્થો ભારત સરકાર તરફથી ઉપલબ્ધ થયો છે. જેથી હવે રસી મુકાવનાર કોઈ પણને પાછુ જવું નહિ પડે. માસ્ક અંગે નીતીન પટેલે જણાવ્યું હતુકે રાજય સરકારે જનતાને રૂ.1 માં થ્રી લેયર માસ્ક મળે તેવી વ્યવસ્થા કરી છે. આ માસ્ક નગરપાલિકા દ્વારા તથા અમુલ પાર્લર પરથી લોકોને સરળતાથી પ્રાપ્ત થઈ શકશે. સરકાર લોકોને રૂ.1 નું માસ્ક પહેરી રૂ.1000નો દંડ ન ભરવા અપીલ કરી રહી છે.ઈન્જેકશનની અછત ઉભી ન થાય તે માટે રાજય સરકાર દ્વારા 3 લાખ ઈન્જેકશનનું ટેન્ડર મંજૂર કરાવાયું છે. અંતમાં નીતીન પટેલે હાલ વિક એન્ડ કર્ફયુની કોઈ વિચારણા ન હોવાનું જણાવ્યું હતુકે જો કે હાલ જે રાત્રી કફર્યું લગાવાયો છે. તેનો પૂરેપૂરો અમલ કરાવાશે અને આગામી દિવસમાં જે મુજબ જરૂર જણાય તે પ્રમાણે નિર્ણયો લેવાશે.