- પેજ કમિટીના સભ્યો મતદાન કરે તેની બુથ કાર્યકર્તા ચોક્કસાઇ રાખે: પ્રદેશ ભાજપ અધ્યક્ષની હાંકલ
કોંગ્રેસના કોઇ નેતા ભાજપના ઉમેદવાર સામે લડવા તૈયાર નથી. કોંગ્રેસને હવે પરાણે મનાવી લડાવવા પડે છે. તેવો પ્રહાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવી છે. બુથના કાર્યકર્તાઓ પેજ કમિટીના સભ્યો ચોક્કસપણે મતદાન કરે તેવી પણ ટકોર કરી હતી.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકર્તાઓને પ્રેરણાત્મક સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એક પછી એક રાજ્યમા ભાજપની સરકાર બનાવતા અશ્ર્વમેઘ યજ્ઞ તૈયાર કર્યો છે. તેનો રોકવાની કોઇ રાજકીય પાર્ટીમા તાકાત નથી. મોદીએ ગુજરાતમાં વિકાસ કરી દેશ સમક્ષ ગુજરાત મોડલ રજૂ કર્યુ અને નરેન્દ્રભાઇ મોદીને દેશની જનતાએ દેશના વડાપ્રધાન બનાવ્યા. હવે ત્રીજી વખત નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાનની હેટ્રીક કરવા જઇ રહ્યા છે. આવનાર પેઢીના ભવિષ્ય માટે મોદીને વડાપ્રધાન બનાવવાના છે.
પાટીલે વધુમાં જણાવ્યું કે, ભાજપના બૂથ પ્રમુખો તેમજ પેજ કમિટિ આખા દેશના રાજયમા પેજ કમિટિની સિસ્ટમને અપનાવી છે. આખા દેશમા ભાજપના કાર્યકર્તાઓ પેજ કમિટિ બનાવી રહ્યા છે. મોદીએ દેશમા કરેલા કામોથી જનતાને તેમના પર વિશ્ર્વાસ અને પ્રેમ વધી રહ્યો છે. જનતાને આજે મોદી પર વિશ્ર્વાસ છે કે તેમના નેતૃત્વમા દેશ સુરક્ષીત છે, દેશ વિકાસના પંથે આગળ વધશે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે જનતા ઇતિહાસ રચશે. તેવો વિશ્ર્વાસ છે કારણ કે દેશમાં મોદી લહેર ચાલી રહી છે. કોંગ્રેસનો કોઇ નેતા ભાજપના ઉમેદવાર સામે લડવા તૈયાર નથી, કોંગ્રેસને હવે જબરજસ્તી લડાવવા પડે છે. 26 બેઠક પર પાંચ લાખથી વધુની લીડ સાથે ઉમેદવારને જીતાડવા પ્રયાસ કરવાનો છે. બૂથના કાર્યકર્તાઓ પેજ કમિટિના સભ્યોનું ચોક્કસપણે મતદાન થાય તેની તકેદારી રાખવી પડશે.
પાટીલે જણાવ્યું કે, જ્યાં સુધી તમને તમારા બુથના કાર્યકર્તાઓ તમારુ નેતૃત્વ નહી સ્વીકારે ત્યા સુધી પાર્ટી તમને જવાબદારી નહી આપે. બુથમા ચૂંટણી સમયે કેવી રીતે મતદાન થઇ શકે તેની વિસ્તૃત માહિતી આપી.બૂથ પ્રમુખ નક્કી કરે તો ચોક્કસ પણે વધુ મતદાન થઇ શકે છે. ભાજપના કાર્યકર્તાઓ પર મને વિશ્ર્વાસ છે કે ગુજરાતમા તમામ બેઠકો પર ઐતિહાસીક લીડ સાથે વિજય મળશે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકારના ગુહમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રીઓ મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસેરિયા, શહેર મહામંત્રી તેમજ સુરત લોકસભાના ઉમેદવાર મુકેશભાઈ દલાલ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, શહેરના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યઓ કુમારભાઈ કાનાણી, સંગીતાબેન પાટીલ, અરવિંદભાઈ રાણા, કાંતિભાઈ બલ્લર, પ્રવીણભાઈ ઘોઘારી, મનુભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણા, ડેપ્યુટી મેયર ડો.નરેન્દ્રભાઈ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પરેશભાઈ પટેલ સહિત મહામંત્રીઓ, પૂર્વ ધારાસભ્યઓ, પૂર્વ મેયરઓ પ્રદેશના પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.