સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડનું કોલ સેન્ટરમાં સરપ્રાઈઝ ચેકિંગ: એક માસમાં નોંધાયેલી ફરિયાદોનું રેકોર્ડ મંગાવ્યું
મહાપાલિકાના કોલ સેન્ટરમાં નોંધાતી ફરિયાદો હલ થતી નથી અને અરજદારોને મોબાઈલ પર ફરિયાદ સોલ્વ થઈ ગઈ હોવાના મેસેજ આવી જતા હોવાની ઘટનાનો આજે પર્દાફાશ થયો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે આજે સવારે કોલ સેન્ટરમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને કોલ સેન્ટરનો રેકોર્ડ પોતાની સાથે લઈ ગયા હતા. છેલ્લા એક માસમાં કોલ સેન્ટરમાં નોંધાયેલી વોર્ડ વાઈઝ અને શાખા વાઈઝ ફરિયાદોનું લીસ્ટ આપવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
આજે સવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે અમીનમાર્ગ સ્થિત મહાપાલિકાના કોલ સેન્ટરમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું ત્યાં તેઓએ બે-ત્રણ ફોન પણ રીસીવ કર્યા હતા. કોલ સેન્ટરમાં ફરિયાદો સોલ્વ થાય છે કે કેમ ? તે અંગે રેન્ડમલી ચેકિંગ કરવા માટે રાખેલી ફાઈલ તેઓ પોતાની સાથે લઈ ગયા હતા. રેન્ડમલી ચેકિંગ દરમિયાન એવું માલુમ પડયું હતું કે, ફરિયાદ કરનાર અરજદારને ફરિયાદ નોંધાવ્યાની ગણતરીની કલાકોમાં જ તમારી ફરિયાદ સોલ્વ થઈ ગઈ છે તેઓ મેસેજ મોબાઈલ પર મળી જાય છે પરંતુ રેન્ડમલી ચેકિંગમાં ૧૦ માંથી ૬-૭ ફરિયાદોમાં અરજદારોએ એવું જણાવ્યું હતું કે, ફરિયાદ સોલ્વ થઈ ગઈ હોવાનો મેસેજ ચોકકસ મળ્યો છે પરંતુ હજુ સુધી ફરિયાદ હલ થઈ નથી.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે કોલ સેન્ટરના સંબંધિત અધિકારીને છેલ્લા એક માસમાં નોંધાયેલી વોર્ડ વાઈઝ અને શાખા વાઈઝ ફરિયાદોનો રેકોર્ડ તાત્કાલિક અસરથી રજુ કરવા તાકીદ કરી છે.