વર્ષ 2021માં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે JEE મેઈનની પરીક્ષાના અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ અભ્યાસક્રમ ગયા વર્ષની જેમ જ રહેશે.
90માંથી 75 પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે
જોકે, વિદ્યાર્થીઓને JEE અને NEET પરીક્ષામાં મર્યાદિત પ્રશ્નોના જવાબો આપવાનો વિકલ્પ આપવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી. શિક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, “જેઇઇ મેઈન 2021નો અભ્યાસક્રમ પાછલા વર્ષની જેમ રહેશે. જો કે, વિદ્યાર્થીઓને પેપરમાં 90 પ્રશ્નોમાંથી 75 સવાલોના જવાબો આપવાનો વિકલ્પ હશે.
પેપરના 90 પ્રશ્નોમાંથી 30-30 પ્રશ્નો ગણિત, રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના હશે અને તેમાંથી 75 પ્રશ્નો (25-25 પ્રશ્નો ગણિત, રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના આપવામાં આવશે)ના રહેશે.
ગત વર્ષે તમામ પ્રશ્નોના જવાબ ફરજિયાત હતા
નોંધનીય છે કે, ગયા વર્ષે જેઇઇ મેઇનમાં 75 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ તમામ પ્રશ્નો (ગણિત, રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના 25-25 પ્રશ્નો) ના જવાબો આપવાના હતા. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે NEET (UG) 2021ની પરીક્ષાનું પેટર્ન જાહેર કરવાનું બાકી છે. દેશના કેટલાક બોર્ડ દ્વારા સિલેબસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને NEET (UG) 2021ના પેપરમાં પણ JEE મેઇન્સની તર્જ પર વિકલ્પો આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકે ગયા મહિને જાહેરાત કરી હતી કે જેઇઇ (મેઈન)ના સંદર્ભમાં મળેલા સૂચનોના આધારે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે અને હવે પરીક્ષા ચાર વખત લેવામાં આવશે.