ગત સપ્તાહમાં રાજયમાં વીજળીની માંગમાં ૪૬૦૦ મેગાવોટનો ઘટાડો જોવા મળ્યો
હાલ જે રીતે સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો કહેર વ્યાપી ઉઠયો છે તેને લઈ ભારતભરમાં લોકડાઉનની સ્થિતિ સર્જાય છે. કોરોનાનાં કહેરનાં કારણે ઈલેકટ્રીસીટીની એટલે કે ઉર્જાની માંગમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. ગુજરાત લોકડાઉન થતાની સાથે જ ઈન્ડસ્ટ્રીયલ એટલે કે ઔધોગિક એકમોનાં શટર બંધ થઈ જતા ઉર્જાની માંગમાં ઘટાડો થયો છે.
ગત સપ્તાહમાં ૪૬૦૦ મેગાવોટની માંગમાં ઘટાડો ગુજરાત રાજયમાં જોવા મળ્યો છે.
આંકડાકિય માહિતી અનુસાર મંગળવારનાં રોજ ગુજરાત રાજયમાં ઉર્જાની માંગ ૧૧,૮૦૦ મેગાવોટ બપોર સુધી જોવા મળી હતી. જયારે ગત મંગળવારનાં રોજ ઉર્જાની માંગ ૧૬,૪૪૭ મેગાવોટ થવા પામી હતી. ગત અઠવાડિયાથી ધીમી રીતે ઉર્જાની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ સમયગાળા દરમિયાન ૨૧ માર્ચનાં રોજ ઉર્જાની માંગ ૧૬,૮૧૬ કે જે સર્વાધિક માંગ હોવાનું સામે આવ્યું હતું. બીજા જ દિવસે ૨૨ માર્ચનાં રોજ જનતા કફર્યું હોવાનાં કારણે માંગમાં સદંતર ઘટાડો નોંધાઈ રહ્યો છે. સમગ્ર ભારતભરમાં લોકડાઉનની સ્થિતિ સર્જાતા ઉર્જા ડિમાન્ડમાં ઘટાડો જોવા મળ્યો હતો કે જે ૧૩,૫૬૪ મેગાવોટ સુધી પહોંચ્યો હતો તેમ કેન્દ્ર સરકારનાં પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન લીમીટેડ દ્વારા જાણવા મળી રહ્યું છે. ઉર્જાની માંગમાં ઘટાડો થતાની સાથે જ જે વપરાશ ઉર્જાને લઈ થવો જોઈએ તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
સર્વાધિક ભારત દેશમાં ગુજરાત રાજય સૌથી વધુ અસરકારક સાબિત થયું છે. હજારો ઔધોગિક એકમો કોરોના વાયરસનાં કારણે ઠપ્પ થઈ જતા ઉર્જાની માંગ અને તેના વપરાશમાં અનેકગણો ઘટાડો જોવા મળે છે તેમ સ્ટેટ લોડ ડીસપેચ સેન્ટરનાં અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું.
આધારભુત સુત્રોનાં જણાવ્યા અનુસાર ઉર્જાની માંગમાં જે ઘટાડો જોવા મળ્યો છે તે માત્રને માત્ર ઔધોગિક એકમોમાં જ નજરે પડે છે. જયારે ખેત ઉપયોગી અને રહેવાસીઓ માટે જે ઉર્જાની માંગ ઉદભવિત થયેલ છે તેમાં સહેજ પણ ઘટાડો જોવા મળ્યો નથી. બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, હાલ જે રીતે સમગ્ર ભારત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે તેની સીધી જ અસર ઔધોગિક એકમો ઉપર પડી છે અને જે આવનારા સમયમાં કેવી રીતે બેઠુ થશે તે પણ એક મુખ્ય પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યો છે.
હાલ જે રીતે ઉર્જાની જરૂરીયાત ઔધોગિક એકમો માટે અનેકગણી વધુ હોવા છતાં જે લોકડાઉનની પરિસ્થિતિ સર્જાય છે તેનાથી ઔધોગિક એકમોને ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડશે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, સુષુપ્ત બજારનાં કારણે વિજળીનું કોઈ જ ખરીદનાર જોવા મળતું નથી.