લોકડાઉનને કારણે અનેક લોકોના ધંધા ઠપ્પ થઈ જતા તેઓ બેકાર બન્યા હતા, તો અનેક લોકો હિંમતભેર વિકટ પરિસ્થિતિનો સામનો કરીને તેમની આવડત મુજબ વિવિધ ધંધા કે નોકરી કરી રહ્યા છે.સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રાજકોટ શહેર. રાજકોટના કલાકારો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
પોતાના કંઠે સમગ્ર વિશ્વને ડોલાવનાર કલાકારો મેરેજ ફંક્શન અને તહેવારોમાં કામ ન મળતા બેકાર બેઠા હતા ત્યારે રાજકોટ શહેરના પ્રખ્યાત ગાયક ફારૂક શેખ પણ લોકડાઉનમાં કામ ન મળતા હેરના પરેશાન હતા.
ફારૂકભાઈએ હિંમત ન હારી ઓટો રીક્ષા ભાડે રાખી અને શરૂ કર્યો પેસેન્જર રીક્ષાનો ધંધો.ફારૂક ભાઈ જણાવે છે કે ક્યારેય કોઈ પણ કામ ને નાનું ન સમજવું જોઈએ.
આપણી આવડત મુજબ તમામ કામો કરીને પરીવારનું ગુજરાન ચલાવવું જોઈએ.ફારૂકભાઈ ને સંતાનમાં 4 બાળકો છે તેના ભરણ પોષણની જવાબદારી ફારૂકભાઈના શિરે હોઈ સવારે 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી તેઓ ભાડાની ઓટો રીક્ષા ચલાવી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવી રહ્યા છે.
સિંગર ફારૂક શેખને સંતાનમાં 4 બાળકો, એક હાથ કપાયેલ,હિંમત ન હારી રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું
છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં પ્રોફેશનલ સિંગર તરીકે કામ કરનાર ફારૂકભાઈ શેખ ને સંતાનમાં 4 બાળકો છે. પરીવાર સાથે તેઓ ભાડાના મકાનમાં રહે છે.છેલ્લા 1 વર્ષથી મેરેજ ફંક્શન તેમજ નવરાત્રી કાર્યક્રમો બંધ રહેતા ફારૂકભાઈએ ભાડાની ઓટો રીક્ષા રાખી ધંધો શરૂ કર્યો છે.દરરોજ 150 રૂપિયા રીક્ષા ભાડું તેઓ ચૂકવે છે તેની સામે રોજના 500 રૂપિયા તેમને મળી રહે છે. ફારૂકભાઈ ભાડાના મકાનમાં રહે છે જેમાં મહિને રૂપિયા 5000 નું ભાડું તેઓ ચૂકવે છે.ફારૂકભાઈ કહે છે વર્ષ 2000માં તેનો હાથ અકસ્માતે કપાઈ ગયેલ અને ડાબા હાથમાં એક જ આંગળી વધી છે. રીક્ષા ચલાવતી વખતે ડાબો હાથ ઘણો દુ:ખે છે પરંતુ પરિવારજનો દુ:ખી થાય તેના કરતા આ દુ:ખ સહન કરવું વધુ સારું હું ગણી રહ્યો છુ.
રીક્ષા ચલાવવામાં તકલીફ પડી હોત તો હોસ્પિટલમાં કચરા-પોતા કરત
ફારૂકભાઈએ ભીની આંખે જણાવ્યું હતું કે મારે ડાબા હાથમાં માત્ર એક જ આંગળી હોવાને કારણે અનેક જગ્યાએ તેમને અનુરૂપ કામ.ગોતવા ગયા હતા પરંતુ તમામ.જગ્યાએ નિષ્ફળતા મળી હતી. છેવટે રીક્ષા ભાડે રાખીને રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું. જો રીક્ષા ચલાવવામાં તકલીફ પડી હોત તો છેવટે કોઈ પણ હોસ્પિટલમાં કચરા પોતા કરવાનું પણ નક્કી કર્યું હતું. કારણ કે 4 સંતાનોનું ભણતર અન્ય ખર્ચ તેમજ પરિવારજનોનું ગુજરાન કોઈ પણ ભોગે ચલાવશે જ તેઓ દ્રઢ નિશ્ચય કરેલ હતો.
કીર્તિદાન ગઢવી સહિત અનેક દિગજ્જ કલાકારો સાથે કામ કર્યું,અન્ય કલાકારો માટે પ્રેરણારૂપ
ફારૂકભાઈએ તેમની કારકિર્દીમાં ઘણા દિગજ્જ ક્લાકારો સાથે પરફોર્મન્સ કર્યા છે .ગુજરાતનું ગૌરવ એવા કીર્તિદાન ગઢવીના તેઓ જબરા ફેન છે તેમજ બોલીવુડમાં સોનુ નિગમને તેના આઇડલ ગણી તેઓના વિડીયો જોઈને રિયાઝ કરતા હોય છે.કોરોના મહામારીમાં છેલ્લા 1 વર્ષથી સ્ટેજ પરફોર્મન્સ તેમણે કર્યા નથી .અબતક મીડિયા સમક્ષ ફારૂકભાઈએ પોતાની રીક્ષા માંથી ગુજરાતી અને હિન્દી ગીતો ગાઈ ને અન્ય કલાકારોને આ પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરવા અપીલ કરી છે.