- રાજકોટમાં સીએફઓ બનવા કોઇ તૈયાર નથી
- ટીઆરપી ગેમઝોન અગ્નીકાંડ બાદ
- પારિવારિક જવાબદારી અને હેલ્થ ઇશ્યુના કારણે ર0 દિવસમાં ઇન્ચાર્જ સી.એફ.ઓ. માંથી મુકત કરવા મ્યુનિસિપલ કમિશ્નર દેવાંગ દેસાઇને પત્ર લખ્યો
રાજકોટમા: ગત મે મહિનામાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નીકાંડમાં ર7 નિર્દોષ વ્યકિતઓના મોત નિપજયા બાદ રાજકોટ મહાનગરપાલિકાની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. આરએમસીમાં કોઇ અધિકારી ચીફ ફાયર ઓફીસરની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. 20 દિવસ પહેલા સ્ટેશન ઓફીસર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. દરમિયાન માત્ર ર0 દિવસ તેઓએ સીએફઓની જવાબદારીમાંથી પોતાને મુકત કરવા માટે મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇને પત્ર લખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આરએમસીમાં વધુ એક વખત ફાયર એનઓસી આપવા સહિતની કામગીરી રઝળી પડે તેવી દહેશત ઉભી થવા પામી છે.
રાજકોટમાં નાનામવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ગત મે માસમાં જીવલેણ અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં ર7 લોકોના મોત નિપજયા હતા. આ ઘટના બાદ રાજકોટ મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફીસર ઇલેશ ખેર અને ડે.ચીફ ઓફીસર ભીખાભાઇ ઠેબાને આરોપી બનાવી તેઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ બન્ને જેલવાસ ભોગવી રહ્યાં છે અને ફરજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેઓના સ્થાને રાજય સરકાર દ્વારા ભુજના ચીફ ફાયર ઓફીસર અનિલ મારૂને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફીસર બનાવવામાં આવ્યા હતા. તેઓ ફાયર એનઓસી આપવા માટે 3 લાખની લાંચ માંગતા રંગે હાથે પકડાયા હતા. હાલ તેઓ પણ જેલની હવા ખાઇ રહ્યા છે. રાજય સરકાર દ્વારા અમદાવાદના મીથુન મીસ્ત્રીની રાજકોટના સીએફઓ તરીકે નિયુકત કરવામાં આવી હતી. તેઓએ રાજકોટમાં ચાર્જ સંભાળવાનો ઇન્કાર કરી દેતા ના છુટકે મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇ દ્વારા ગત 6 સપ્ટેમ્બરના રોજ કલાસ-ર અધિકારી અને આરએમસીના સ્ટેશન ઓફીસર અમિત દવેને ઇન્ચાર્જ ફાયર ઓફીસર તરીકેને ચાર્જ અને સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી હતી. ચાર્જ સંભાવ્યાના ત્રીજા દિવસે તેઓના પિતાજીનું અવસાન નિપજતા તેઓ 13 દિવસની લાંબી રજા પર ઉતરી ગયા હતા અને ગત ર3મી સપ્ટેમ્બરના રોજ ફરી હાજર થયા હતા. માત્ર બે દિવસ ઇન્ચાર્જ સીએફઓ તરીકે કામગીરી કર્યા બાદ ગઇકાલે સાંજે અમિત દવેએ મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇને પત્ર લખી તેઓને તાત્કાલીક અસરથી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરની જવાબદારીમાંથી મુકિત આપવા માટેની માંગણી છે.
‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર અમિત દવેએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મારા પિતાનું અવસાન થયું છે. મારા માતૃશ્રીની તબિયત પણ બરાબર નથી. આ ઉપરાંત મારો પુત્ર ધો. 10માં અભ્યાસ કરી રહ્યો છે. મારા પર હાલ ખુબ મોટી પારિવારિક જવાબદારી છે. આ ઉપરાંત મને પણ તાજેતરમાં બીપી, ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોપ જેવી બિમારી ડિટેકટ થઇ છે. પારિવારિક જવાબદારી અને બિમારીના કારણે મેં મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇને પત્ર લખી મને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરમાંથી મુકત કરવામાં આવે તેવી માંગણી કરી છે. હજી સુધી આ અંગે મ્યુનિ. કમિશ્નર દ્વારા કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
દરમિયાન આજે ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાંડ મામલે રાજયની તમામ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફીસરોને હાઇકોર્ટમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. હું હાલ અમદાવાદ છું. મ્યુનિ. કમિશ્નરને રુબરુ મળીને પણ રજુઆત કરીશ. નાદુરસ્ત તબિયત અને પારિવારિક જવાબદારીના કારણે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરની જવાબદારી નિભાવી શકું તેમ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સીએફઓ અને ડે. સી.એફ.ઓ.ની ધરપકડ બાદ તેઓને સસ્પેન્ડ કરાયા બાદ સ્ટેશન ઓફીસર હાર્દિક ગઢવીને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ નિર્ણય સામે તેઓએ રાજીનામું પણ ધરી દીધું હતું. ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાંડની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકામાં કોઇ ચીફ ફાયર ઓફીસરની જવાબદારી સ્વીકારતા તૈયાર થતું નથી. ફાયર એન.ઓ.સી. સહિતની કામગીરી રઝળી પડી છે. હાલ ર60 થી વધુ અરજીઓ પેન્ડીંગ પડી છે. મહાપાલિકામાં ફાયર વિભાગના કોઇ કર્મચારી આ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. બીજી તરફ રાજય સરકાર દ્વારા રાજકોટના ઇન્ચાર્જ સીએફઓની નિયુકત કરાય તે અધિકારી ચાર્જ સંભાળવામાં નનૈયો કરી દે છે. જેના કારણે સ્થિતિ દયનીય બની જવા પામી છે. એક તરફ રાજય સરકાર દ્વારા ફાયર સેફટી માટે રોજ નવા નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ આસએમસીમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીસ શાખામાં કોઇ ઉચ્ચ કે જવાબદાર અધિકારી નથી. જેના કારણે ફાયર એનઓસી સહિતની કામગીરી ખોરંભે ચડી જવા પામી છે. લોકો ફાયર એનઓસી માટે અરજી કરે છે. પરંતુ તેને મંજુરી આપવા વાળુ હાલ કોઇ નથી.