સરકારી કોલેજમાં તબીબી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ સામે ગ્રામીણ વિસ્તારમાં એક વર્ષ ફરજ બજાવવા કરાય છે કરાર
વર્ષ 2020-21 થી સરકાર સંચાલિત મેડિકલ કોલેજોમાંથી પાસ આઉટ થયેલા 2,653 એમબીબીએસ વિદ્યાર્થીઓમાંથી 70% એટલે કે 1,856 તબીબો સરકારી ફરજમાં સેવા આપવા હાજર થયાં નથી તેવું તાજેતરમાં રાજ્યની વિધાનસભામાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ સબસિડીયુક્ત તબીબી શિક્ષણ મેળવે છે અને બદલામાં તેમણે સરકાર દ્વારા સંચાલિત આરોગ્ય સુવિધાઓમાં – મુખ્યત્વે ગ્રામીણ અથવા દૂરના વિસ્તારોમાં સેવા આપવા માટે એક બોન્ડ પર હસ્તાક્ષર કર્યા હોય છે.
એવા સમયે જ્યારે રાજ્ય સરકાર જિલ્લા સ્તરે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનું આયોજન કરી રહી છે, ત્યારે તબીબી અધિકારીઓ (મેડિકલ ઓફિસર-એમઓ), જેઓ સામાન્ય રીતે એમબીબીએસ પાસ-આઉટ હોય છે, તેમની અછત માનવ સંસાધનની ઉપલબ્ધતાને અસર કરી શકે છે, તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.પાટણના ધારાસભ્ય કિરીટ કુમાર પટેલ અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરના પ્રશ્નોના જવાબમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલ ડેટામાં એ પણ સૂચવ્યું હતું કે 1,856 ડોક્ટરોમાંથી જેઓ સરકાર સંચાલિત સુવિધાઓમાં સેવામાં જોડાયા નથી, 70% એટલે 1,310 એ બોન્ડની રકમ ચૂકવવાની બાકી છે જે રૂ. 65.4 કરોડ છે.
આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે બોન્ડ સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે સરકાર દ્વારા સંચાલિત આરોગ્ય સુવિધાઓને આરોગ્ય વ્યવસાયિકોની ખાતરીપૂર્વકનો પુરવઠો મળી રહે. લગભગ પાંચ વર્ષ પહેલા એમબીબીએસના વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષની સેવા માટે રૂ. 1.5 લાખના બોન્ડ પર સહી કરવી પડતી હતી. કોવિડ સમયગાળા દરમિયાન સિસ્ટમમાં સુધારો કરવામ્સ આવ્યો હતો અને હાલમાં વિદ્યાર્થીઓએ આરોગ્ય વિભાગ દ્વારા પસંદ કરાયેલ સરકારી સુવિધામાં એક વર્ષ માટે સેવા આપવી પડશે અથવા બોન્ડની રકમ તરીકે 10 લાખ રૂપિયા ચૂકવવા પડશે. પોસ્ટિંગ ઘણીવાર દૂરના સ્થળોએ અથવા જાહેર આરોગ્ય કેન્દ્રો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર ગ્રામ્ય વિસ્તારોમાં હોય છે.
ફરજ પર હાજર નહીં થનારા તબીબોને બોન્ડ પેટેની રકમ ચૂકવવા અપાય છે યાદી : ડો.ભારતીબેન પટેલ
રાજકોટ સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.ભારતીબેન પટેલે અબતક સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ફરજ પર હાજર નહીં થનારા તબીબો મોટાભાગે બોન્ડ પેટેની રકમની ચુકવણી કરી દેતા હોય છે. ઘણાખરા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુશન કરતાં હોય છે એટલે ફરજ પર હાજર થઇ શકતા નથી ત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન પછી તબીબો ફરજ પર હાજર થતાં હોય છે. તેમ છતાં પણ હાજર નહીં થનારા તબીબોને વારંવાર ફરજ પર હાજર થવા અથવા બોન્ડ પેટેની રકમ ચૂકવવા યાદી આપવામાં આવે છે.