ઘરેલુ હિંસા અને ભરણ પોષણની રકમની ચુકવણીના ઉલ્લંઘન બદલ
વારંવાર જેલમાં જતાં પતિની પત્ની જ તારણહાર બની
‘તમે તેની સાથે રહી શકતા નથી અને તેના વિના જીવી શકતા નથી’ એવા એક વિચિત્ર કેસમાં મહેસાણાના કડીની એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ 10 વર્ષમાં સાત વખત ઘરેલું હિંસા બદલ ફરિયાદ કરી છે. રસપ્રદ વાત એ છે કે, દરેક ધરપકડના બે મહિના પછી તેની પત્નીએ જ જામીન પણ આપ્યા છે.
આ દંપતી હંમેશા ઝઘડા, છૂટાછેડા અને પુનઃમિલનની આ અવ્યવસ્થિત ગાથામાં ફસાયેલી ન હતી. પાટણના પ્રેમચંદ માળીએ 2001માં મહેસાણાના સોનુ માલી સાથે લગ્ન કર્યા અને કડીમાં સ્થાયી થયા હતા. યુગલનું શરૂઆતી જીવન એકદમ શાંતિપૂર્ણ હતું પણ 2014માં બંને વચ્ચે મતભેદો ઉભા થવા લાગ્યા હતા. સોનુએ 2015માં પ્રેમચંદ સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો અને કોર્ટે તેને દર મહિને રૂ. 2,000 ભરણ પોષણ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
મજૂરી કામ કરતા પ્રેમચંદે કથિત રીતે 2015માં ભરણપોષણની ચૂકવણી કરી શક્યો ન હતો. જેના પરિણામે તેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને પાંચ મહિના જેલમાં વિતાવ્યા હતા. પ્રેમચંદના જીવનમાં બીજું કોઈ ન હોવાથી સોનુ તેના જામીનદાર તરીકે આગળ આવી અને પતિને જામીન અપાવ્યા હતા.
કેસ સાથે સંબંધિત કાયદાકીય દસ્તાવેજો અનુસાર સોનુએ તેને 2016 થી 2018 સુધી દર વર્ષે ઇજા પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરી હતી અને દરેક વખતે પત્નીએ દરમિયાનગીરી કરી પતિને જામીન અપાવ્યા હતા.
2019 અને 2020માં પ્રેમચંદ બે અલગ-અલગ પ્રસંગોએ ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયો, જેના કારણે બે વધુ કેદની સજા થઈ હતી. ત્યારે ફરી એકવાર સોનુએ તારણહારની ભૂમિકા ભજવી અને ફરીવાર પતિને જામીન અપાવ્યા હતા. ભરણપોષણની રકમની ચુકવણીમાં પ્રેમચંદની વારંવાર થતી બેદરકારીએ તેને ફરીથી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જે બાદ સોનુએ ફરી એકવાર 4 જુલાઈએ પતિના જામીન કરાવ્યા હતા અને તેઓ બંને ઘરે પાછા ફર્યા હતા.
જો કે તેમનું પુનઃમિલન અલ્પજીવી હતું. 5 જુલાઈએ પ્રેમચંદને ખબર પડી કે તેનું પાકીટ અને સેલફોન ગુમ છે. આ બાબતે ફરીવાર બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ પ્રેમચંદે કડી પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી. જેમાં આરોપ લગાવ્યો હતો કે સોનુએ તેની આંખોમાં લાલ મરચાનો પાવડર નાખ્યો હતો.