નેશનલ મેડિકલ કમિશન દ્વારા દેશની જુદી જુદી મેડિકલ કોલેજો, સંસ્થાઓમાં અભ્યાસ કરતાં અંડર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, સિનિયર રેસિડેન્ટ અને પીજી ઇન સુપર સ્પેશિયાલિટી કરતાં ઉમેદવારોને વર્ષ 2023-25 દરમિયાન કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવ્યું છે તેની આંકડાકીય વિગતો રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.મેડિકલ કોલેજોમાં સ્નાતક થયા બાદ ઇન્ટર્નશીપ કરતાં વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવું ફરજિયાત છે. આ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. દેશની અનેક કોલેજો મેડિકલના વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ આપતી નથી, કેટલીક કોલેજો નક્કી કરાયું હોય તે પ્રમાણે સ્ટાઇપેન્ડ આપવાની જગ્યાએ ઓછું સ્ટાઇપેન્ડ આપી રહી છે.
આ મુદ્દે વારંવાર વિવાદો અને કોર્ટ કેસો થયા પછી પણ મેડિકલ કોલેજોમાં સ્ટાઇપેન્ડના મુદ્દે એકસૂત્રતા જળવાતી નથી. અનેક ખાનગી કોલેજોએ વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવાનું જ બંધ કરી દીધું હતું. આ મુદ્દે અનેક ફરિયાદો બાદ કેટલાક વિદ્યાર્થીઓએ કોર્ટમાં કેસ કરી કર્યો હતો. હાલમાં આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટની સૂચના પ્રમાણે હાલમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા દેશની તમામ સંસ્થાઓમાં મેડિકલમાં અભ્યાસ કરતાં અને સ્ટાઇપેન્ડને લાયક હોય તેવા ઉમેદવારોને કેટલા રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે તેની આંકડાકીય વિગતો રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
વર્ષ 2023-24 દરમિયાન ઇન્ટર્ન એમબીબીએના વિદ્યાર્થીઓને કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પહેલા, બીજા અને ત્રીજા વર્ષના એમડી-એમએસના ઉમેદવારોને કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. આ સિવાય સિનિયર રેસિડેન્ટ અને પીજી ઇન સુપર સ્પેશિયાલિટીમાં પહેલા, બીજા અને ત્રીજા વર્ષના ઉમેદવારોને કયા મહિનામાં કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે તેની વિગતો રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. નેશનલ મેડિકલ કમિશને દરેક મેડિકલ કોલેજને દરેક મહિના પ્રમાણે વિગતો મોકલવા પણ તાકીદ કરવામાં આવી છે. કોલેજો દ્વારા મોકલવામાં આવેલી વિગતો આગામી દિવસોમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.