દેશના જુદા જુદા રાજ્યોમાં નવી મેડિકલ કોલેજો માટે આગામી દિવસોમાં ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવશે. આ ઇન્સ્પેક્શનમાં જતાં અધ્યાપકોને જે તે કોલેજ દ્વારા રજા મંજૂર કરવામાં આવતી ન હોવાની ફરિયાદ બહાર આવી હતી. જેના અનુસંધાનમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા દરેક કોલેજને અધ્યાપકો ઇન્સ્પેક્શન માટે રજા માંગે ત્યારે મંજૂર કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે. એનએમસી દ્વારા દેશમાં નવી મેડિકલ કોલેજો માટે અરજીઓ મંગાવી લેવામાં આવી છે.
ઇન્સ્પેક્શનની કામગીરીમાં જતાં અધ્યાપકોને રજા આપવામાં કોઇ હેરાનગતિ ન કરવામાં આવે તે પ્રકારની તાકીદ કરવામાં આવી
આ અરજીઓ આવ્યા બાદ આગામી દિવસમાં જુદી જુદી કોલેજોમાં ઇન્સ્પેક્શન માટે અધ્યાપકોની ટીમ મોકલવાશે. દેશભરની અનેક મેડિકલ કોલેજોમાંથી કેટલાક અધ્યાપકોએ મેડિકલ કમીશન સમક્ષ ફરિયાદ કરી હતી કે, ઇન્સ્પેક્શનમાં જવા માટે સૂચના આપવામાં આવે ત્યારે મેનેજમેન્ટ પાસે રજા માંગવામાં આવે તો આપવામાં આવતી નથી. કમિશનના મેડિકલ એસેટમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં નવી મેડિકલ કોલેજોની અરજી ઉપરાંત રિન્યુઅલ અરજીઓ સહિતની કામગીરીમાં ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે.
અધ્યાપકોની ફરિયાદ બાદ નેશનલ મેડિકલ કમિશને દરેક રાજ્યોની કોલેજોને અને યુનિવર્સિટીઓને પરિપત્ર મોકલીને એવો આદેશ આપવામાં આવ્યો છે કે, કમિશન દ્વારા કરવામાં આવતાં ઇન્સ્પેક્શનમાં અધ્યાપકોને કયારેક અગાઉથી જાણ કરવામાં આવતી નથી. અગાઉથી જાણ કરાતી ન હોવાથી અધ્યાપકો રજા મંજૂર કરાવી શકતાં નથી. ઇન્સ્પેક્શનમાં જવાનું હોય તેવા અધ્યાપકોની યાદી ગોપનીય રાખવામાં આવે છે.
આ સ્થિતિમાં છેલ્લીઘડીએ અધ્યાપકોને ઇન્સ્પેક્શનમાં જવાની જાણકારી આપવામાં આવતી હોવાથી તેઓને રજા આપવાની રહેશે. કારણ કે ઇન્સ્પેક્શનમાં જતાં કુલ અધ્યાપકો પૈકી કોઇ એકને રજા ન મળતાં સમગ્ર કામગીરીમાં ભારે વિલંબ થયો હોય છે. આ ઉપરાંત અધ્યાપકો રજા લીધા પછી નિર્ધારિત સમયમાં જે તે સ્થળે પહોંચી શકે તે પણ જરૂરી હોય છે. આમ, સરવાળે ઇન્સ્પેક્શનની કામગીરીમાં જતાં અધ્યાપકોને રજા આપવામાં કોઇ હેરાનગતિ ન કરવામાં આવે તે પ્રકારની તાકીદ કરવામાં આવી છે.