ડેપ્યુટી સીએમની જવાબદારી સુશીલ મોદીના શીરે: ભાજપને ૧૪ મંત્રી મળવાની ધારણા
બિહારમાં અંતે નિતીશ કુમારે લાલુપ્રસાદ યાદવ સાથેનું જોડાણ તોડી નાખ્યું છે. ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ખરડાયેલા યાદવ પરિવાર સાથેનું ગઠબંધન તોડવા નીતિશ કુમાર ઘણા સમયથી ઈચ્છતા હતા.
પરંતુ રાજકીય સમીકરણોની ગણતરી તેમને આ સંબંધો તોડવાથી રોકતી હતી. અલબત હવે ભાજપ સાથેના સંબંધો ફરીથી અનુકુળ બનાવી નિતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી ફરી સત્તા હસ્તગત કરવાની તૈયારી કરી છે. આજે તેઓ બિહારના મુખ્યમંત્રી પદના સપથ ગ્રહણ કરશે.
ફકત ૨૦ મહિનામાં જ નિતીશ કુમાર અને લાલુપ્રસાદ યાદવની સરકારનું બાળમરણ થયું છે. લાલુ પુત્ર ત્તેજસ્વી યાદવનું નામ કૌભાંડમાં ઉછળ્યા બાદ તેને જાહેરમાં ખુલાસો કરવા નિતીશ કુમારે દબાણ કર્યું હતું. આ ખુલાસો નહીં થાય તો રાજીનામુ ધરી દેવા આદેશ કર્યો હતો. જો કે, બિહારના ડેપ્યુટી સીએમ ત્તેજસ્વીએ રાજીનામુ દેવાનો ઈન્કાર કરતા મામલો બીચક્યો હતો. આમ પણ નિતીશ કુમાર ઘણા સમયથી લાલુ સાથે છેડો ફાડવાની તૈયારીમાં હતા. અધુરામાં પૂરું તેમને તક મળી જતા તેમણે રાતો-રાત રાજીનામુ આપવાનો નિર્ણય લઈ લીધો હતો. જો કે આજે તેઓ ભાજપના સાથથી ફરીથી શપથગ્રહણ કરી મુખ્યમંત્રીનું પદ સંભાળી લેશે.
ડેપ્યુટી સી.એમ.ની જવાબદારી સુશીલ મોદી સંભાળશે. નિતીશને ભાજપના ૫૩ ધારાસભ્યોની મદદથી કુલ ૧૩૨ ધારાસભ્યોનો ટેકો છે. સરકાર રચવા ૧૨૨નું સંખ્યાબળ નિતીશને જોઈએ છે જે ભાજપના ટેકાથી સરળ બની જાય છે.
સત્તા ગુમાવ્યા બાદ લાલુ પ્રસાદે પોતાના પૂર્વ સાથી નિતીશ કુમાર ઉપર આક્ષેપોની છડી વરસાવી છે. નિતીશ કુમાર હત્યા અને આર્મસ એકટના આરોપી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. આ કેસમાં નિતીશ ફસાશે તેવી બીકથી ભાજપ સાથે સેટીંગ કરી ગઠબંધન તોડયું છે.
રાજીનામુ આપ્યા બાદ નિતીશે કહ્યું હતું કે, ગઠબંધનને ટકાવવા માટે અમારાથી જેટલો ગઠબંધન ધર્મ પાળી શકાય તેટલો પાળી બતાવ્યો હતો. જનતાના હિતમાં તમામ કાર્યો કર્યા છે. હાલના માહોલમાં અમારા માટે સરકાર ચલાવવી અતિ મુશ્કેલ છે. લાલુ પ્રસાદ અને ત્તેજસ્વી પર જે આક્ષેપો થયા છે તે અંગે સ્પષ્ટતા કરવી જ‚રી હતી. જે સ્પષ્ટતા કરવામાં બન્ને નિષ્ફળ રહ્યાં છે. રાજીનામુ આપવાની વાતને નિતીશ કુમારે અંતર આત્માનો અવાજ ગણાવ્યો હતો !
મોડી રાતના ઘડનાક્રમ મુજબ નિતીશ કુમારે મુખ્યમંત્રીનું પદ છોડતા જ જનતા દળ (યુ)ના પૂર્વ સાથી પક્ષ ભાજપે તેમને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી હતી. ભાજપે બિહારના રાજયપાલ કેશરીનાથ ત્રિપાઠીને નિતીશને તેમના સમર્થન અંગેનો પત્ર પણ પાઠવી દીધો હતો. લાલુ સાથેના સંબંધો તૂટતા જનતા દળ (યુ) અને ભાજપ ફરીથી ભાઈ-ભાઈની ભુમિકામાં આવી ગયા છે.
નિતીશ કુમારે ત્તેજસ્વી વિવાદમાં રાજીનામુ આપીને અંત લાવતા બિહારમાં અને કેન્દ્રીયસ્તરે રાજકીય ખળભળાટ થયો હતો. વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સામેલ થવા બદલ નિતીશ કુમારને અભિનંદન પાઠવ્યા હતા ! દેશના સવા સો કરોડ નાગરીકો પ્રમાણિકતાનું સ્વાગત અને સમર્થન કરે છે તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું !