- 2025 બિહાર વિધાનસભાની ચુંટણી પણ નીતિશના નેતૃત્વમાં જ લડવા જેડીયુની ડિમાન્ડ: ચિરાગ પાસવાન અને જીતેન માંઝીની પણ મહત્વકાંક્ષા વધી
- અબ કી બાર મજબૂર સરકાર
લોકસભાની ચુંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપને સ્પષ્ટ બહુમતિ ન મળવાના કારણે હવે એનડીએના સાથી પક્ષોની ડિમાન્ડ સતત વધી રહી છે. ભાજપ બાદ એનડીએ ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી ટીડીપીના અઘ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ દ્વારા લોકસભાના અઘ્યક્ષનું પદ ઉપરાંત મંત્રી મંડળમાં પાંચ પ્રધાનની માંગણી કરવામાં આવી છે. દરમિયાન આજે જેડીયુ દ્વારા પણ પોતાની ડિમાન્ડ મુકી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
એનડીએના તમામ સાથી પક્ષો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સતત ત્રીજી વખત સરકાર રચવાનું સમર્થન આપતો પત્ર ગઇકાલે જ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન સાથી પક્ષો સાથે મંત્રી મંડળની રચનાને લઇ વાતચીત કરવા માટે ભાજપ દ્વારા જે.પી. નડ્ડા, અમિત શાહ અને રાજનાથસિંહને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
એનડીએના સાથી પક્ષ એવા જેડીયુ દ્વારા આજે પોતાની ડિમાન્ડ મુકી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં બિહારને વિશેષ રાજયનો દરજજો આપવાની માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત વર્ષ 2025માં યોજનારી બિહાર વિધાનસભાની સામાન્ય ચુંટણી એનડીએ ગઠબંધન મુખ્યમંત્રી નીતીનકુમારના નેતૃત્વમાં લડે સાથે સાથે નવા કેન્દ્રીય મંત્રી મંડળમાં રેલવે સહિત અન્ય બે મહત્વપૂર્ણ મંત્રાલયની માંગણી કરવામાં આવી છે.એનડીએમાં પાંચ બેઠકો ધરાવતા એસજેપીના અઘ્યક્ષ ચિરાગ પાસવાન દ્વારા પણ પોતાને કેન્દ્રીય મંત્રી મંડળમાં મહત્વનું સ્થાન આપવામાં આવે તેવી માંગણી કરી છે. જયારે માત્ર એક જ બેઠક ધરાવતા હમ પાર્ટીના જીતેન માંઝીએ મહત્વપૂર્ણ ખાતુ માંગ્યું છે.અગાઉ 10 વર્ષ ખુબ જ મજબૂતી સાથે શાસન કરનાર મોદી સરકાર આ વખતે મજબુત સરકાર ચલાવવા લાચાર બની ગઇ છે. કારણ કે ભાજપને ર40 બેઠકો મળી છે. જયારે બહુમતિ માટે 272 બેઠકોની આવશ્યકતા છે. બહુમતિથી 32 બેઠકો ઓછી છે. આથી પક્ષોના સહારે જ સરકાર ચાલી શકે તેમ હોય તમામની માંગણી સ્વીકારી પડશે જ
ટીડીપીના રાષ્ટ્રીય અઘ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ દ્વારા લોકસભાનું અઘ્યક્ષ પદ ઉપરાંત તેઓની પાર્ટીના દર ત્રણ સાંસદો પૈકી એકને મંત્રી બનાવવામાં આવે ત્રણ કેબિનેટ અને બે રાજય કક્ષાના મંત્ર પદની માંગણી કરવામાં આવી છે. ભાજપનું નાક દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યું છે. હવે ભાજપ કેટલી માંગણી સ્વીકારે છે. તેના પર બધુ નિર્ભર છે.
ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવા દાવો નહી કરે
મજબૂત વિપક્ષની જવાબદારી નિભાવીશુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશું: ખડગે
લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે. ચુંટણીના પરિણામો બાદ એવી અટકળો ચાલતી હતી કે એનડીએના સાથી પક્ષ ટીડીપી અને જેડીયુને તોડી ઇન્ડિયા ગઠબંધન દ્વારા કેન્દ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. દરમિયાન ગઇકાલે મળેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાલ કેન્દ્રમાં સરકાર બનાવવા માટે કોઇ જ દાવો નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે લોકસભાની ચુંટણીના પરિણામો નરેન્દ્ર મોદીના વિરોધમાં જનાદેશ છે. અમે મજબુત વિપક્ષની જવાબદારી નિભાવીશું હાલ કેન્દ્રમાં સરકાર બનાવવા માટે કોઇ જ દાવો નહી કરીએ ભવિષ્યમાં યોગ્ય સમય આવ્યે યોગ્ય નિર્ણય લેશું.