ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે મ્યુનિસિપલ કમિશનરને કોર્પોરેટરપદેથી રાજીનામું આપતો પત્ર સુપ્રત કર્યો: સાંજે વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરશે
શહેરના વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણીએ ગઈકાલે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ આજે કોર્પોરેટરપદેથી પણ રાજીનામું આપી દેતા મહાપાલિકાનું જનરલ બોર્ડ વધુ એક વખત ખંડિત થયું છે. આગામી દિવસોમાં વોર્ડ નં.૧૩ અને વોર્ડ નં.૧૮ની એક-એક બેઠકો માટે પેટાચુંટણી યોજાશે. સાંજે નીતિન રામાણી વિધિવત રીતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે.
વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા અને તેઓનો ઝુકાવ ભાજપ તરફી હતો. પક્ષના આદેશનો સતત અનાદર કરતા હોય તેઓને શો-કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી વિધિવત રીતે રાજીનામું આપી દીધું હતું.
કોંગ્રેસમાંથી મુકત થયા બાદ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે તેઓને કોર્પોરેટરપદેથી પણ રાજીનામું આપવા જણાવ્યું હતું. દરમિયાન આજે સવારે ૧૧:૦૦ કલાકે નીતિન રામાણીએ વોર્ડ નં.૧૩ના કોર્પોરેટરપદેથી રાજીનામું આપતો પત્ર મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને સુપ્રત કર્યો હતો.રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા સતત લોકોની પ્રાથમિક સુવિધાઓ કે વિકાસ કાર્યો કરતા મને અટકાવવામાં આવતો હતો અને મારો અવાજ સતત દબાવવાનો પ્રયાસ કરાતો હતો. કોંગ્રેસના આવા ગંદા રાજકારણથી થાકીને મેં આજે કોર્પોરેટરપદેથી રાજીનામું આપી દીધું છે. લોકસેવાના કાર્યો કાયમી ચાલુ રાખીશ અને લોકોની વચ્ચે રહી તેઓના પ્રશ્નોને વાચા આપતો રહીશ.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા હતા કે કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ. કોંગ્રેસના નેતાઓ આજે તેવું કરી રહ્યા હોય તેવો અનુભવ મને થઈ રહ્યો છે. વોર્ડના વિકાસની વાત હોય ત્યારે સતત નકારાત્મક અભિગમ કોંગ્રેસ દ્વારા દાખવવામાં આવે છે. કોંગ્રેસ ખાડે ગઈ અને તેની અસલી માનસિકતા છતી થઈ ગઈ છે. નિષ્ઠાવાન કાર્યકરોને હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે.
કોંગ્રેસ અને કોર્પોરેટરપદેથી રાજીનામું આપ્યા બાદ આજે સાંજે ૭:૩૦ કલાકે વોર્ડ નં.૧૩ના અનેક કાર્યકરો સાથે નીતિન રામાણી વિધિવત રીતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેશે. મહાપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો પૈકી ૨ બેઠકો ખાલી પડી છે.
વોર્ડ નં.૧૮ના મહિલા કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા સતત ત્રણ વખત જનરલ બોર્ડની બેઠકમાં ગેરહાજર રહેતા તેઓને કોર્પોરેટરપદે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે જયારે આજે વોર્ડ નં.૧૩ના કોર્પોરેટરપદેથી નીતિન રામાણીએ રાજીનામું ધરી દીધું હોય આગામી દિવસોમાં વોર્ડ નં.૧૩ અને વોર્ડ નં.૧૮ની એક-એક બેઠકો માટે પેટાચુંટણી યોજાશે.