કોલકતા જવા રવાના: ૧૮મી સુધી પશ્ચિમ બંગાળમાં લોકસભાની કોઈપણ એક બેઠક માટે પ્રચારની કામગીરી નિભાવશે
રાજકોટ શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપનાં અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજને લોકસભાની ચુંટણીમાં પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે. તાજેતરમાં ગુજરાતની તમામ બેઠકો માટે ચુંટણી પૂર્ણ થયા બાદ જે રીતે ભારદ્વાજે સુરેન્દ્રનગર બેઠક પર જવાબદારી નિભાવી હતી તેને ધ્યાનમાં રાખી પશ્ચિમ બંગાળનાં પ્રભારી અમિત ઠાકુર દ્વારા તેઓને આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ આજે કોલકતા જવા માટે રવાના થઈ ગયા છે અને આગામી ૧૮મી મેના રોજ પરત ફરશે.
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજને ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ભાજપ માટે કઠિન મનાતી સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લાનાં પ્રભારી તરીકે કામગીરી અદા કરી રહ્યા છે. ઉમેદવારની પસંદગીથી લઈ ચુંટણી પ્રચાર અને મતદાન સુધીની તેઓની કાબેલેદાદ કામગીરીની નોંધ રાષ્ટ્રીય લેવલ સુધી લેવામાં આવી હોય તેમ પશ્ચિમ બંગાળ માટે ભાજપે નિયુકત કરેલા રાષ્ટ્રીય પ્રભારી અમિતભાઈ ઠાકુરે તાજેતરમાં નીતિનભાઈ ભારદ્વાજનેપશ્ચિમ બંગાળમાં લોકસભાની ચુંટણીને પ્રચારની જવાબદારી સોંપી છે.
અંતિમ અર્થાત સાતમાં તબકકાનાં મતદાનમાં પશ્ચિમ બંગાળની અલગ-અલગ બેઠકો માટે ચુંટણી યોજાવાની છે. નીતિનભાઈ ભારદ્વાજ આજે સવારે જ કોલકતા જવા માટે રવાના થઈ ગયા છે. કોલકતા પહોંચ્યા બાદ તેઓને પશ્ર્ચિમ બંગાળની કઈ લોકસભા બેઠક પર પ્રચાર-પ્રસાર કરવાનો છે તે અંગે જવાબદારી સોંપવામાં આવશે. તેઓ આગામી ૧૦ દિવસ માટે અહીં રોકાણ કરશે અને ૧૮મી મેએ રાજકોટ પરત ફરશે.