એસ્પિરેશનલ નર્મદા જિલ્લાની મુલાકાત કરી વિવિધ કામગીરીની સમીક્ષા કરતા નીતિ આયોગના ઉપાધ્યક્ષશ્રી સુમન કુમાર બેરીજી. ઇનોવેટીવ પ્રવૃત્તિઓ અંતર્ગત એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ-ગોરા અને GMR-વારા લક્ષ્મી ફાઉન્ડેશન-કેવડિયામાં થઈ રહેલી પ્રવૃત્તિનું નિરિક્ષણ કર્યું. ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અમલમાં મુક્યો છે, જેમાં દેશના 112 જિલ્લાઓ પૈકી ગુજરાતમાંથી નર્મદા અને દાહોદ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને એસ્પિરેશનલ બ્લોક-નાંદોદમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની અમલવારી માટે અલાયદી નાણાંકીય જોગવાઈ કરવામાં આવે છે.
વિકાસલક્ષી વિવિધ યોજનાઓ થકી સ્થાનિકોના જીવધોરણમાં ગુણવત્તાસભર સુધારો લાવવા માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવે છે. નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત થઈ રહેલી કામગીરીના નિરિક્ષણ અર્થે તાજેતરમાં જ નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન કુમાર બેરીજી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ જિલ્લામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ તથા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત ચાલી રહેલી ઇનોવેટીવ પ્રવૃત્તિઓ પૈકીના એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ-ગોરા અને GMR-વારા લક્ષ્મી ફાઉન્ડેશન-કેવડિયાની રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેઓની સાથે એ. મુથ્થુકુમાર(IAS) ‘ઉપાધ્યક્ષ નીતિ આયોગ’નાં અંગત સચિવ પણ જોડાયા હતા.
આ મુલાકાત દરમિયાન શાળામાં બાળકો માટેની વિજ્ઞાન પ્રયોગ શાળા, શાળા કેમ્પસમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓ તેઓએ પ્રત્યક્ષ નિહાળી હતી. મેક ઈન ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયાના સ્વપ્નને સાર્થક કરતા GMR ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. સુમન કુમાર બેરીજીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની અમલી અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો પ્રજાજનોને સરળતાથી અને મહત્તમ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને અનુરોધ કર્યો હતો. નર્મદા જિલ્લામાં “એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ” હેઠળ સ્વાસ્થ્ય, શિક્ષણ, કૃષિ અને પાણીનાસ્રોત, આઇ.સી.ડી.એસ, નાણાકીય સમાવેશ અને કુશળતાને જોડીને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપી પરિણામલક્ષી કામગીરી માટે સુચારૂં આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સંકલન કરીને વિવિધ યોજના અને કાર્યક્રમોનો અમલ કરવામાં આવી રહ્યો છે. નીતિ આયોગના ઉપાદ્યક્ષની આ સમગ્ર મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરીએ સાથે રહી જીલ્લામાં ચાલતી વિવિધ ઈનોવેટીવ પ્રવૃત્તિઓ વિશે અવગત કર્યા હતા. તેઓની સાથે જિલ્લા આયોજન કચેરીના અધિકારી-કર્મચારીઓ પણ જોડાયા હતા.