ધારાસભ્ય લલીત વસોયાએ બંને નવનિયુકત હોદેદારોને પાઠવ્યા અભિનંદન
ધોરાજી તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારી તુષાર જોષીના અધ્યક્ષ સ્થાને પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જોકે ચુંટણીમાં બંને ઉમેદવારો બિનહરીફ થયા હતા.
ધોરાજી તાલુકા પંચાયતમાં કુલ ૧૬ પૈકી ૧૫ કોંગ્રેસ અને એક સભ્ય ભાજપના હોય જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા માત્ર એક-એક ઉમેદવારના નામ મુકવામાં આવ્યા હતા.
જેમાં તમામ ૧૬ સભ્યોએ સહમતી દર્શાવતા તાલુકા પંચાયતનાં પ્રમુખપદે નીતાબેન રસિકભાઈ ચાવડા અને ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ નરશીભાઈ નારીયાની વરણી થવા પામી હતી.
આ તકે ધારાસભ્ય લલીતભાઈ વસોયા, માજી પ્રમુખ દિલીપભાઈ ચાવડા, રાજુભાઈ ડાંગર, જગદીશભાઈ રાખોલીયા સહિતના આગેવાનોએ નવનિયુકત પદાધિકારીને અભિનંદન પાઠવ્યા હતા. વર્ષ ૨૦૧૫માં ધોરાજી તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો.
જેમાં પ્રમુખ તરીકે મહિલા અનામત હોવાથી પ્રથમ ટર્મમાં હંસાબેન રણછોડભાઈ ભુવા મહિલાપ્રમુખપદે આરૂઢ થયા હતા.
હાલના અઢી વર્ષ માટે રોટેશન સામાન્ય હોય તેમાં પ્રમુખપદે નીતાબેન ચાવડા પ્રમુખપદે વરણી થતા ધોરાજી તાલુકા પંચાયતની બંને ટર્મમાં પ્રમુખ તરીકે મહિલાને શાસન ધુરા સોંપાઈ છે.