દારૃનો ધંધો બે નંબરનો હોય માટે ધંધો કરવો નથી એમ કહેતા જ બનેવી ઉશ્કેરાયો અને છરીના બે ઘા કર્યા
પલસાણા તાલુકાના કારેલી ગામે દારૃના ધંધામાં જોડાવવાની ના પાડનાર સાળા પર બનેવીએ ચપ્પુ વડે હુમલો કરી પગના ભાગે ચપ્પુના ઘા કરતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. કારેલી ગામે રૃદ્રાશ રેસીડેન્સીમાં ગણેશ અનિલભાઈ પાટીલ (મૂળ રહે-સોનદ, તા.ધરનગાંવ, જિ.જલગાંવ, મહારાષ્ટ્ર) માતા-પિતા અને બહેન સાથે દોઢ મહિનાથી ભાડેથી રહે છે.
ગણેશ પાટીલની બહેનને સોનુ ઉર્ફે ચેતન મહેન્દ્રસિંહ રાજપૂત (રહે-શહી ટાઉનશીપ, કારેલી, તા.પલસાણા) સાથે પ્રેમલગ્ન કરેલા છે. ગત શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યે સોનુ રાજપૂતે પોતાના સાળા ગણેશ પાટીલને ફોન કરી તું મને મારી સોસાયટીના ગેટ પાસે મળવા આવ મારે કામ છે. તેમ કહેતા ગણેશ પાટીલ સહી ટાઉનશીપના ગેટ પાસે જતા ખુલ્લી જગ્યામાં સોનુ રાજપૂત ઉભેલો હતો.
ગણેશ પાટીલ તેની પાસે જતા બે એક માસ પહેલા મારી સાથે દારૃના ધંધામાં કામિ કરતો હતો હાલમાં કેમ આવતો નથી તેમ સોનુએ જણાવતા ગણેશે દારૃનો ધંધો બે નંબરનો હોય મારે આ ધંધો કરવો નથી અને મારે તારી સાથે કોઈ વ્યવહાર રાખવો નથી તેમ જણાવતા ઉશ્કેરાયેલા સોનુ રાજપૂતે કમ્મરના ભાગેથી ધારદાર ચપ્પુ કાઢીને ગણેશ પાટીલના પાછળ કુલાના ભાગે અને થાપા ઉપર ચપ્પુના ઘા કરી ધમકી આપી સોનુ રાજપૂત ત્યાંથી જતો રહ્યો હતો.
ઈજાગ્રસ્ત ગણેશ રાજપૂતને સુરત સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરતા પલસાણા પોલીસે સોનુ રાજપુત વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.