ગીરનાર સાધુ મંડળે તંત્ર સમક્ષ માલિકીના પુરાવા રજુ કરતા તેઓની રજુઆત માન્ય રખાઈ
ગત તા.૧૭થી ગીરનાર સાધુ મંડળના વરીષ્ઠ સાધુ-સંતો જૈન સમાજના નિર્મળ સાગર મહારાજ દ્વારા દત શિખરે છેલ્લા ગણતરીના વર્ષોથી નિર્વાણ લાડુ ધરાવવાની જીદનો ઉગ્ર વિરોધ નોંધાવી આ માટે અનશન પર બેસી ગયા હતા. સાધુ-સંતોના અનસનથી એક તબકકે તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું હતું. બાદમાં બંને પક્ષોને જગ્યાની માલિકીના આધાર-પુરાવાઓ રજુ કરવાની વાત સામે ગીરનાર સાધુ મંડળના સાધુ સંતોએ આ પુરાવાઓ રજુ કરતા તેની સામે જૈન સમાજે એક પણ પુરાવો ન આપતા તંત્રએ લાડુ ધરાવવા જવાની પરમીશનને ફગાવી હતી જોકે આ વાતને લઈને જો આ બાબતે જૈન સમાજ દ્વારા મંજુરીને અવગણના કરી લાડુ ધરાવવાની જીદ થશે તો સાધુ-સંતો સેવકો સાથે પ્રતિકાર કરશે આ વાતને લઈને તંત્ર દ્વારા દત શિખરે લોખંડી બંદોબસ્ત મુકવાની પણ તજવીજ હાથધરાઈ હતી.
આ અંગે જૈન સમાજના નિર્મળ સાગરજી મહારાજ દ્વારા છેલ્લા અમુક વર્ષોથી દત શિખરે નિર્વાણ લાડુ ધરાવવાની જીદ સામે દરેક વખતે ગીરનાર સાધુ મંડળ આ વાતનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યું હતું. ગત ૧૭ જુલાઈથી શરૂ થયેલા આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ૧૯ જુલાઈએ દત શીખરે નિર્વાણ લાડુ ધરવાનો હતો. જેનો જુનાગઢ ગિરનાર અને ભવનાથ ક્ષેત્રના તમામ સાધુ-સંતોએ વિરોધ કર્યો હતો જેના કારણે વિવાદ ઉભો થયો હતો આ વર્ષે વિવાદ વકર્યો હતો અને સાધુ સંતોએ બે દિવસીય ઉપવાસ પણ કર્યા હતા. બાદમાં બુધવારે મહામંડલેશ્ર્વર વિશ્ર્વંભર ભારતીબાપુ, મુકતાનંદબાપુ, શેરનાથબાપુ, ઈન્દ્રભારતીબાપુ, તનસુખગીરીબાપુ, મહાદેવગીરીબાપુ સહિતના સાધુ-સંતો પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીએ પહોંચ્યા હતા અને જે.એમ.રાવલને જગ્યાની માલિકીને લગતા તમામ પ્રકારના આધાર પુરાવા રજુ કર્યા હતા. સામાપક્ષે જૈન સમાજના નિર્મળ સાગર કે કોઈ અન્ય પુરાવા રજુ કરી શકયા ન હતા. આ ઉપરાંત જૈન સમાજે ભવનાથ તળેટી પગથીયાથી લઈને ચોથી અને પાંચમી ટુંક વચ્ચેની જગ્યાએથી ૨૫ પગથીયા સુધી સરઘસ કાઢવા મંજુરી માંગી હતી પરંતુ નાયબ પોલીસ અધિક્ષક જુનાગઢના અભિપ્રાય મુજબ સુલેહ શાંતીનો ભંગ થવાની સંભાવના હોય આ મંજુરી આપવામાં આવી ન હતી.