ઈડીનો નિરવ મોદી ફરતે ગાળ્યો: પાંચ દેશોની સંપતિ, બેંક એકાઉન્ટ સીલ કરી દેવાયા
પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદી વિરૂઘ્ધ ભારતની એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ નિરવ મોદીની રૂ.૬૩૮ કરોડની સંપતિ જપ્ત કરી છે જેમાં જમીન મિલકતો, બેંક એકાઉન્ટ અને ઘરેણાનો સમાવેશ થાય છે. નિરવ મોદી વિરૂઘ્ધ આ કાર્યવાહી ભારત સહિત કુલ પાંચ દેશોમાં હાથ ધરવામાં આવી હતી.
ઈડીએ જપ્ત કરેલી વસ્તુઓમાંથી લગભગ ૨૨ કરોડ રૂપીયાની ડાયમંડ જવેલરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૪૪ કરોડ રૂપીયાની કિંમતના બેંક ખાતા જપ્ત કરવામાં આવ્યા છે જેમાં પૂર્વી મોદી અને મયંક મહેતાના નામનો ઉલ્લેખ છે. તેવી જ રીતે સાઉથ મુંબઈમાં પણ ૧૯.૫ કરોડ રૂપીયાની કિંમતનો ફલેટ પણ જપ્ત કરી દેવામાં આવ્યો છે. કહેવાય છે કે, આ ફલેટ પૂર્વી મોદીના નામે લેવામાં આવ્યો હતો. નિરવના પાંચ વિદેશી એકાઉન્ટ પણ છે જેની પણ તપાસ ઈડીએ કરી હતી. ભારત સહિતના પાંચ દેશોમાં રહેલી તેની કુલ સંપતિ પણ જપ્ત કરવામાં આવી છે.