પીએનબી એ પણ નિરવને ઈ-મેલ કરી ‘કડક’ ઉઘરાણી શરૂ કરી
બેંકને પૈસા પાછા આપવાનો શું પ્લાન છે?
કૌભાંડીઓ પાસેથી લેણી રકમ રિકવર થાય તેવી શકયતા
નિરવ મોદી ‘કાવડીયા’ ભરવા તૈયાર છે. પંજાબ નેશનલ બેંક સ્કેમ ડિપ્રેશનમાં આ એક સારી સાઈન છે. ઉલ્લેખનીય છે કે નિરવે પેલી હિન્દી કહેવત ‘ઉલટા ચોર કોતવાલ કો ડાંટે’ અનુસાર પીએનબીએ મારી શાખને નુકસાન પહોંચાડયું- મારો ધંધો ચોપટ કર્યો. જાવ એક પૈસો ય હવે નહીં આપયું તેવી શેખી બેંકને મોકલેલા ઈ-મેલમાં હાંકી હતી પરંતુ ઈડી અને સીબીઆઈના સપાટા બાદ તેમજ જપ્તીની ઝડપી કાર્યવાહી બાદ અંતે નમતું જોખવું જ પડયું છે.
સતા પાસે શાણપણ નકામું તે ગુજરાતી કહેવત અનુસાર નિરવ ‘નરમ’ પડયો છે. જોકે આ દેશ માટે સારું થયું છે. કમ સે કમ નિરવ મોદી પાસેથી પૈસાની રીકવરી થઈ જય તે દેશ માટે સારું જ છે. હવે તાજા અહેવાલ અનુસાર પંજાબ નેશનલ બેંક (પીએનબી)એ નિરવ મોદીને ઈ-મેલ કરીને પુછયું છે કે, બેંકનું દેણુ ચુકવવા તેની પાસે કોઈ ઠોસ પ્લાન (યોજના) હોય તે જણાવે. મતલબ કે પીએનબીએ નિરવને બેંકના પૈસા પાછા કયારે અને કઈ રીતે આપવાના છે તેનો ‘કોન્ક્રીટ પ્લાન’ (ઠોસ યોજના) જણાવવા કહ્યું છે. બેંક હવે કડક ઉઘરાણી કરી રહી છે.
નિરવ મોદીને આ ઈ-મેલ પીએનબીના જનરલ મેનેજર (ઈન્ટર નેશનલ બેકિંગ ડિવીઝન) અશ્ર્વીની વત્સે મોકલ્યો છે. જેમાં લખ્યું છે કે, નીરવે જે રીતે લેટર ઓફ અંદર ટેકિંગ (એલઓયુ) પ્રાપ્ત કરતો રહ્યો તે ગેરકાનુની અને ખોટી રીત હતી. વત્સે આગળ લખ્યું છે કે તમે (નીરવે) બેંકની લેણી રકમ પરત કરવાનો જે લેખિત વાયદો કર્યો હતો તેમાં ન તો કોઈ સમય સીમા બાંધવામાં આવી છે ને તો કોઈ ગેરંટીની રકમ (ડીપોઝીટ્સ) જમા કરાવવામાં આવી છે. હવે તમે બેંકને તેના પૈસા કઈ રીતે પરત આપવાના છે તે જણાવો.
ઉલ્લેખનીય છે કે અશ્વીની વત્સના ઈ-મેલ પહેલા નિરવે પીએનબીને એક ઈ-મેલ કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, પીએનબીએ આ મામલો (કૌભાંડ) જાહેર કરીને મારી શાખને ધંધાને નુકસાન પહોંચાડયું છે અને તેનાથી મારે બેંકને પૈસા પરત આપવાના વિકલ્પો પર વિપરીત અસર પડી છે. દરમિયાન નિરવની ૯ લકઝરી કાર, ૧૦૦ કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૫૮૨૬ કરોડ રૂપિયાની સંપતિ એટેચ કરાઈ છે. હજુ નીરવ ઈડી સમક્ષ હાજર થયો નથી નવું સમન્સ અનુસાર ૨૬ ફેબ્રુઆરીએ મુંબઈમાં હાજર થવા ફરમાન કરાયું છે. જાણવા મળે છે કે ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ થયો છે. હવે પીએનબીએ સ્વીફટ સિસ્ટમ વધુ કડક બનાવી છે.