- કરદાતા, મધ્યમ વર્ગ, ખેડૂતો, યુવાનો, મહિલા અને ઉદ્યોગો માટે બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરી એક નવો જ કિર્તીમાન સ્થાપિત કર્યો છે. તેઓએ આજે છઠ્ઠી વખત સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. જ્યારે બે વખત વચ્ચગાળાનું બજેટ રજૂ કરી ચુક્યા છે. લોકસભાની ગત ચુંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી. હાલ કેન્દ્રમાં મોદી સરકાર સાથી પક્ષોના ટેકે ચાલી રહી છે. જે રીતે જનાદેશ મળ્યો છે.
તેનાથી સરકારની આંખો ખુલી ગઇ હોય તેવું આજે બજેટમાં સ્પષ્ટપણે જણાતું હતું. કેન્દ્રીય બજેટમાં ખેડૂતો, કરદાતાઓ, મધ્યમ વર્ગીય પરિવાર, ગરીબો, યુવાનો, મહિલાઓ અને ઉદ્યોગ જગત માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્સ્યોરન્સ, ફાર્મા, હેલ્થ કેર, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટુરીઝમ, પોર્ટ કનેક્ટિવીટી, ઉડાન, એમએસએમઇ, ઇન્વેસ્ટમેન્ટ અને નિકાસ પર પણ મહત્તમ સુધારા જાહેર કરવામાં આવ્યા છે.
બજેટમાં બિહાર વિધાનસભાની ચુંટણીની અસર પણ જોવા મળી હતી. બજેટમાં બિહાર માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. બિહારમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટની સુવિધા આપવામાં આવશે. પટાણા એરપોર્ટને વિકાસ કરાશે. આ ઉપરાંત મિથીલાંચલમાં સિંચાઇ યોજના ઉભી કરાશે અને મખાના ઉદ્યોગ માટે બોર્ડની રચના કરવાની પણ જાહેરાત કરાય છે. વિમા ક્ષેત્રમાં પણ 100 ટકા એફડીઆઇની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે વિમા ક્ષેત્રમાં હવે સ્પર્ધાઓ વધશે અને ગ્રાહકોને નવા અનેક વિકલ્પો પ્રાપ્ત થશે. પ્રિમિયમ સસ્તુ થશે અને સારૂં કવરેજ પણ મળશે. ટૂંકમાં બજેટમાં તમામ લોકો અને કેટેગરીનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આવક વેરાના નવા સ્લેબથી કરદાતાઓમાં રાજીપો જોવા મળી રહ્યો છે.