મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી ’સુશાસન દિવસ’ની રાજ્યના મંત્રીઓ, વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રીના વરદ્હસ્તે ગુડ ગવર્નન્સ ઇનિશીએટીવ અંતર્ગત રાજ્યના પાંચ લાખથી વધુ અધિકારી-કર્મચારીઓની સેવા વિષયક બાબતોના ડીજીટાઇઝેશનના હેતુથી તૈયાર કરવામાં આવેલ ’કર્મયોગી ઇંછખજ 2.0 : સેવા, ક્ષમતા અને વિકાસ’ પોર્ટલનું લોકાર્પણ તેમજ વિવિધ વિભાગોની નાગરિક સેવાઓને વધુ સુનિયોજિત, સરળ અને સુદ્રઢ બનાવતી મોબાઇલ એપ્લિકેશન્સ લોન્ચ કરવામાં આવી હતી.
‘સેવા, ક્ષમતા અને વિકાસ’ પોર્ટલનું લોન્ચીંગ કરાયું
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગુજરાતમાં ચાલી રહેલા ’નિર્મળ ગુજરાત’ અભિયાનને વધુ એક સપ્તાહ એટલે કે તા.31 ડિસેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરવાની સાથોસાથ ’નિર્મળ ગુજરાત 2.0’ અંગેની માર્ગદર્શિકાનું પણ વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની એક નવી પરિભાષા નક્કી કરી છે.
મુખ્યમંત્રીએ રાજ્યના કર્મયોગીઓના કામને બિરદાવવાની સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો સંદર્ભ આપી જણાવ્યું હતું કે, રાજ્યના કર્મચારીઓ જ્યારે કર્મયોગી બનીને સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડે છે તે જ સાચું સુશાસન છે. મુખ્યમંત્રીએ વિકાસની સાથે જનકલ્યાણના ધ્યેયથી રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત વિવિધ પહેલની સિદ્ધિઓ અને સફળતાની રૂપરેખા આપીને ’ગુડ ગવર્નન્સ મોડેલ’ તરીકે ગુજરાતને વધુ ગૌરવ અપાવવા સૌને અનુરોધ કર્યો હતો.