તા.૩૧ મે બુધવારે નિર્જળા એકાદશી, ભીમ અગિયારસ અને ગાયત્રી જયંતિ આવી રહી છે. સૂર્ય ની વૃષભ અને મિથુન સંક્રાંતિ વચ્ચે આવતી પાલન કરવામાં અઘરી નિર્જળા એકાદશી વિશેષ મહત્વ ધરાવે છે અને કદી ભૂખ્યા ના રહી શકનાર ભીમ નિર્જળા એકાદશી કરે છે અને તેના પ્રભાવ થી પાંડવો મુશ્કેલીમાં થી બહાર આવે છે.
નિર્જળા એકાદશીના વ્રતથી અનેક રીતે લાભ થાય છે અને સ્વાસ્થ્ય થી લઈને બધી રીતે લાભાન્વિત થવાય છે તથા આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે. નિર્જળા એકાદશી સાથે આ દિવસે ગાયત્રી જયંતિ પણ આવે છે. વેદ માતા ગાયત્રીની ઉત્પત્તિ આ દિવસે થઇ હતી માટે આ દિવસે ગાયત્રી મંત્ર કરવાનો વિશેષ મહિમા છે.
ગાયત્રી આરાધના એ સૂર્ય આરાધના છે પ્રકાશની આરાધના છે જ્ઞાનની આરાધના છે. જે મિત્રો અભ્યાસ અને સંશોધનમાં કે રહસ્યશાસ્ત્રોમાં આગળ વધવા ઈચ્છે છે તેમણે ગાયત્રી અનુષ્ઠાન ગાયત્રી જયંતિથી કરવું જોઈએ. ગાયત્રી સદા કલ્યાણકારી છે તથા જીવનના તમામ સત્યોને ઉજાગર કરનારી છે. વેદજ્ઞાન પ્રાપ્ત કરવાનું પ્રથમ પગથિયું ગાયત્રી છે માટે આ દિવસની દિવ્યતાને સમજી અને કૃષ્ણ પરમાત્મા તથા માતા ગાયત્રીની આરાધના કરવી જોઈએ.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨