રાજકોટમાં પૂર્વ વડાપ્રધાનની પત્રકાર પરિષદ: કેન્દ્ર સરકાર પર શાબ્દીક પ્રહારો
નોટબંધી દેશ માટે ઘાતક છે તેમ રાજકોટમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે જીએસટી, નોટબંધી, કાશ્મીર મુદ્દો, રોજગારી, ખેતી, ગુજરાત મોડલ, આમ આદમી, ભ્રષ્ટાચાર તેમજ રામ મંદિર મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નોટબંધીએ ઉદ્યોગો પર ભારે માઠી અસર કરી છે. તેના લીધે બેકારી વધી અને લાખોની સંખ્યામાં નોકરીઓ ગઈ. નોટબંધી એક ઉતાવળીયું પગલુ હતું જે ભારતીય અર્થતંત્ર માટે વિનાશક અને ઘાતક સાબીત થયું છે. આનાથી ગુજરાત સહિત દેશભરના તમામ વર્ગ સરકારથી નારાજ છે.
ટૂંકમાં સરકારની આર્થિક નીતિ ખોટી છે તેમ મનમોહનસિંઘે કહ્યું હતું. અહીં ખાસ ઉલ્લેખનીય છે. ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘ અર્થ તંત્રના નિષ્ણાંત છે. તેઓ વડાપ્રધાન બન્યા તે પહેલા દેશના કેન્દ્રીય નાણા પ્રધાન હતા. આવા આર્થિક બાબતોના માસ્ટર મનમોહનસિંઘે જીએસટીને પણ ખોટી રીતે લાગુ કરાઈ હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જીએસટીને લાગુ કરાઈ તે પહેલા તેની ઉપરથી નીચે સુધી તમામ સ્તરે વ્યવસ્થિત સમીક્ષા કરવાની જ‚ર હતી. પરંતુ મને લાગે છે કે, કેન્દ્ર સરકારે અને કેન્દ્રીય નાણા મંત્રાલયે આવું કંઈ હોમવર્ક કર્યું જ ન હતું.
તેમણે ગુજરાત મોડેલ પર સવાલ ઉઠાવ્યા હતા. કહ્યું કે, શેનું ગુજરાત મોડલ, આમ આદમીનું ભલુ સરકારી મોડેલથી થવું જોઈએ. હજુ અચ્છે દિન આવ્યા નથી. સરકારથી લોકોના નારાજ છે, જીએસટીમાં ધંધા રોજગારને માઠી અસર થઈ. હજુ પણ ભ્રષ્ટાચાર અનઅંકુશિત છે. અગર અમે ગુજરાતમાં સત્તા પર આવ્યા તો અમારી પાસે રાજય માટે અને તમામ વર્ગના લોકો માટે ખાસ વિઝન છે.
તેમણે કહ્યું કે, અમારી સરકાર ગાંધી,નહે‚ અને સરદાર પટેલના આદર્શો પર ચાલનારી સરકાર છે.
ગુજરાતમાં તેમણે ખેડૂતોની સ્થિતિ કફોડી હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે કેન્દ્ર અને રાજય સરકારના અચ્છે દિનના તમામ દાવાઓને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર અચ્છે દિનનો દાવો કરે છે પરંતુ જે રીતે જીડીપી, બેકારી, મોંઘવારી છે તેના પરથી અચ્છે દિન માટે હજુ દિલ્હી દૂર છે તેમ કહી શકાય. દેશમાં હજુ પણ ભ્રષ્ટાચારનો ભોરીંગ હોવાનું મનમોહનસિંઘે આક્ષેપ કર્યો હતો. હજુ ભારત ભ્રષ્ટાચાર મુકત થયું નથી.
પૂર્વ વડાપ્રધાને કેન્દ્ર સરકારની કાશ્મીર નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, અગર સરકારની કાશ્મીર નીતિ સુચા‚ ‚પે કામ કરી રહી છે તો અત્યારે કાશ્મીરમાં આટલી બધી અશાંતી કેમ છે. શું અગાઉ કાશ્મીરમાં આવી પરિસ્થિતિ હતી. તેવો ૧૦૦ મણનો સવાલ મનમોહનસિંઘે ઉઠાવ્યો હતો. આ પત્રકાર પરિષદમાં ઈન્દ્રનીલ રાજયગુરુ, મહેશ રાજપૂત, સાંસદ રાજીવ ગવડા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અશોક ગેહલોત, દિપેન્દર હુડા, વશરામ સાગઠીયા અને દિનેશ ચોવટીયા ઉપસ્થિત રહ્યાં હતા.