પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનાર નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ કર્યો છે. બ્રિટીશ કોર્ટે વોન્ટેડ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે લીલીઝંડી આપી છે.
લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ન્યાયાધીશ સેમ્યુઅલ ગુગીએ કહ્યું કે, હું સંતુષ્ટ છું કે નિરવ મોદીને દોષી ઠેરવવા માટે પૂરતા પુરાવા છે. નીરવ મોદીએ પુરાવાઓને નષ્ટ કરવા અને સાક્ષીઓને ડરાવવાનું કાવતરું કર્યું હતું.
નીરવ મોદીની માનસિક સ્થિતિ સારી, આત્મહત્યા કરવાનું જોખમ નથી
બ્રિટિશ કોર્ટે પણ નીરવ મોદીની માનસિક સ્વાસ્થ્ય સંબંધી અરજીને નકારી કાઢી હતી. કોર્ટેનું કહેવું હતું કે, નીરવ મોદીની માનસિક સ્થિતિ સામાન્ય છે. મુંબઈની આર્થર રોડ જેલમાં પૂરતી સારવાર અને માનસિક આરોગ્ય સંભાળ આપવામાં આવશે. નીરવ મોદીને ભારત મોકલીને આત્મહત્યા કરવાનું જોખમ નથી કારણ કે આર્થર રોડ જેલમાં પૂરતી તબીબી સુવિધા છે.
આ નિર્ણય બાદ પણ નીરવના ભારત આવવામાં સમય લાગશે
જો કે, આ નિર્ણય બાદ પણ ભારતીય તપાસ એજન્સીઓ અને નીરવ મોદીને હાઈકોર્ટમાં અપીલ કરવાની તક મળશે. જેના કારણે આ કેસની સુનાવણી લાંબા સમય સુધી ચાલી શકે છે. પ્રત્યારોપણના વોરંટ પર નીરવ મોદીને 19 માર્ચ 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને પ્રત્યાર્પણના કેસમાં અનેક સુનાવણી દરમિયાન જેલની વિડિઓ લિંક દ્વારા તેમાં સામેલ હતો.