ગીર સોમનાથ જિલ્લામાં કાલે નિરામય ગુજરાત અભિયાનનો ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ભંડેરી શુભારંભ કરાવશે
રાજ્યના નાગરિકોને તંદુરસ્તી બક્ષવા અને બિમારીઓથી સુરક્ષા કવચ આપવા માટે નિરામય ગુજરાત અભિયાનનો તા.12મી નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવશે. જેનો ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી શુભારંભ કરાવશે. વેરાવળ-પ્રભાસ પાટણ ખાતેના સ્વામિનારાયણ ગુરુકુળમાં આયોજિત મેગા હેલ્થ કેમ્પમાં નાગરિકોને આરોગયલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ મેગા કેમ્પમાં જીલ્લાની જનરલ હોસ્પિટલ, પી.એમ.જે. વાય. સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલનાં તજજ્ઞોની મદદ લઈ જનસમુદાયને વધુમાં વધુ લાભ મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવશે.
જેમાં તબીબી અધિકારીશ્રીઓ દ્વારા સ્ક્રીનીંગ કામગીરી, સુપર સ્પેશીયાલીસ્ટ, જનરલ સર્જન, ફીજીશીયન, સ્ત્રી રોગનાં નિષ્ણાંત, ચામડીના રોગોના નિષ્ણાંત, ઈ.એન.ટી સર્જન, દંત સર્જન વગેરે દ્વારા નાગરિકોનું ચેકઅપ કરવામાં આવશે. ઉપરાંત લોહીની તમામ તપાસ જેવી કે હિમોગ્લોબીન, બ્લડ સુગર, સીરમ ક્રિએટીન બ્લડ, તેમજ યુરિયા, યુરિન સુગર-આલ્યુમિન, લીપીડ પ્રોફાઈલ, લીવર ફંક્શન ટેસ્ટ સીરમ કેલ્શિયમ વગેરે રિપોર્ટ આ મેગા કેમ્પમાં કરી આપવામાં આવશે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-20 મુજબ ગુજરાતમાં બિનચેપી રોગો જેવા કે હાયપર ટેન્શનનું પ્રમાણ સ્ત્રીઓમાં 20.6% અને પુરૂષોમાં 20.3% છે. જ્યારે ડાયાબિટીસ (પ્રકાર-2)નું પ્રમાણ સ્ત્રીઓમાં 15,8% અને પુરૂષોમાં 16.9% જોવા મળેલ છે. તેમજ કેન્સરનું પ્રમાણ પુરૂષોમાં 0.09% અને સ્ત્રીઓમાં 0.10% જોવા મળેલ છે. આમ, જોતાં બિનચેપી રોગોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આ સમસ્યાને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા “નિરામય ગુજરાત” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.