સુરતમાં યોજાયેલી ગ્લેમ બ્લીસ મેકઅપ આર્ટીસ્ટ કોમ્પિટિશનમાં તૃતિય ક્રમ મેળવવા બદલ સન્માન કરાયું
સુરત ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાના ગ્લેમ બ્લીસ મેકઅપ આર્ટીસ્ટ કોમ્પિટિશનમાં જુદા-જુદા રાજયમાંથી આર્ટીસ્ટોએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટનાં ધોરાજી ગામનાં નીપાબેન પ્રકાશભાઈ અંટાળાએ પણ ભાગ લઈ તૃતીય ક્રમાંક હાંસલ કરી હિન્દી સિનેમાની સુપ્રસિદ્ધ એકટર્સ શિલ્પા શેટ્ટીના હસ્તે એવોર્ડ લઈ ગુજરાત રાજયનું નામ રોશન કર્યું છે.
વર્ષો પહેલા જોયેલું મેકઅપ આર્ટિસ્ટ તરીકે એવોર્ડ મેળવવાનું સપનું નીપાબેન અંટાળાનું હાલ પૂર્ણ થયું છે. સુરત ખાતે યોજાયેલી ગ્લેબ બ્લીસ મેકઅપ આર્ટીસ્ટ કોમ્પિટિશનમાં તેમણે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, ઉતરાખંડ સહિતના રાજયોના ૧૦૦ જેટલા આર્ટીસ્ટોએ ભાગ લીધો હતો.
તેમણે બતાવેલા મેકઅપ આર્ટિસ્ટ તરીકેના આર્ટના પ્રદર્શનથી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ સ્પર્ધામાં તેમને તૃતીય ક્રમાંક હાંસલ થયો છે. આ સ્પર્ધાના એવોર્ડ વિતરણ સમારોહમાં પ્રસિદ્ધ એકટર્સ શિલ્પા શેટ્ટીના હસ્તે એવોર્ડ અપાયો હતો. નીપાબેન અંટાળાએ જણાવ્યું હતું કે, મને ગર્વ છે કે, હું મારા સપનાને પુરુ કરવાની સાથે રાજય તેમજ જિલ્લા સાથે મારા ગામ ધોરાજીનું નામ પણ રોશન થયું છે.