રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે બિલ્ડીંગમાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: લેપટોપ, લેન કેબલ, વાઇફાઇ રાઉટર અને મોબાઇલ સહિત રૂ.૩ લાખનો મુદામાલ કબ્જે
અમેરિકન નાગરિકોના મોબાઇલ નંબર સહિતના ડેટા મેળવી પોલીસના ખોટા કેસમાં ફસાવી દેવાના બહાને છેતરપિંડી માટે કોલ સેન્ટર ચલાવતા ત્રણ ટાબરીયા સહિત નવ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રૈયા ટેલિફોન પાસે આવેલી આલ્ફા પ્લસ કોમ્પ્લેક્ષમાંથી ઝડપી લીધા છે. તેની પાસેથી રૂા.૩ લાખનો મુદામાલ કબ્જે કરી મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે આવેલા આલ્ફા પ્લસ બિલ્ડીંગના આઠમાં માળે કેટલાક શખ્સો ભેદી પ્રવૃતિ કરતા હોવાની ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. ધાધલ્યા, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ બાલા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને સુભાષભાઇ ઘોઘરી સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
આલ્ફા પ્લસ બિલ્ડીંગનો આઠમા માળેથી મુળ મુંબઇના વતની અને રેસકોર્ષ સામે પટેલ આઇસ્ક્રીમ ઉપર વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં રહેતા ધીરજ ઉર્ફે ચીકુ જેઠાલાલ કાટુવા, સુમેર કિશોર સોલંકી, વિક્રમ ગોપાલ ગુપ્તે, હરિયાણાના અતુલ પ્રદિપ ઇસ્ટવાલા, દિલ્હીના ઇર્શાદ જુમનઅલી, મુંબઇની દિપ્તી નારાયણ બીસ્ત અને નાગાલેન્ડના ત્રણ બાળકોની પોલીસે ધરપકડ કરી છે. તમામની પુછપરછ દરમિયાન મુંબઇના દેવેન્દ્ર ઉર્ફે નેનો નામનો શખ્સ મુખ્ય સંચાલક હોવાનું બહાર આવતા તેની શોધખોળ હાથધરી છે.
તમામ શખ્સોએ જુદી જુદી વેબસાઇટમાંથી અમેરિકન નાગરિકોના ડેટા મેળવી તેમને પોલીસ કેસમાં ફસાવી દેવા ધમકી દઇ કોલ કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી. અમેરિકન નાગરિક મોબાઇલમાં વાત કરે તે દરમિયાન તેના સોશ્યલ સિકયોરિટી એકાઉન્ટ નંબર બ્લોક થઇ જશે તેવો ભય બતાવી તેની પાસેથી ગુપ્ત નંબર મેળવી તેના બેન્ક એકાઉન્ટમાંથી લાખો ડોલર બારોબાર ઉપાડી છેતરપિંડી કરતા હોવાની કબુલાત આપી છે.
પોલીસે તેની પાસેથી લેપટોપ, વાઇફાઇ રાઉટર, કમ્પ્યુટર, મોબાઇલ જેવો ઇલોકટ્રોનિક ઉપકરણ રૂા.૩ લાખના કબ્જે કરી તપાસ હાથધરી છે.