- સમાધાન દરમિયાન થયેલી જુથ અથડામણમાં મહિલા સહિત નવ શખ્સોને આજીવન
- જયારે સામા પક્ષે મારામારીમાં મહિલા સહિત ત્રણ આરોપીને એક વર્ષની જેલ
રાજકોટ શહેરમાં એસટી વર્કશોપ પાછળ આવેલા ખોડીયાર નગરમાં 7 વર્ષ પહેલાં કૌટુંબીક તકરારના સમાધાન દરમિયાન બંને પક્ષ વચ્ચે થયેલી મારમારીમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જયારે સામે પક્ષે ઇજા પહોંચી હતી. બંને કેસની ફરિયાદ ચાલી જતા કોર્ટે હત્યા કેસમાં મૃતક એક આરોપી સામેનો કેસ એબેટ કરી મહિલા સહિતના નવા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે મારમારીની ક્રોસ ફરિયાદમાં મહિલા સહિત ત્રણ આરોપીને એક એક વર્ષની સજા અને રૂપિયા છ-છ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ વર્ષ 2016માં રાજકોટમાં શહેર ના ગોંડલ રોડ ઉપર એસટી વર્કશોપ પાછળ આવેલા ખોડીયારનગરમાં રહેતા પંકજભાઈ બાલુભાઈ વાળા નામના 40 વર્ષના યુવકને પડોશમાં રહેતા કૌટુંબિક દેવા પરમાર નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો જે ઝઘડાના સમાધાન માટે કલ્પેશભાઈ બાલુભાઈ વાળા, તેના ભાઈ પંકજભાઈ બાલુભાઈ વાળા, રાજેશગીરી અને હીનાબેન સહિતના આરોપીઓના ઘરે ગયા હતા. ત્યારે આરોપી નવઘણ કાનજી વાળા, દેવાંગ ઉર્ફે દેવો દિનેશભાઈ પરમાર, સમજુબેન નવઘણભાઈ વાળા, રેખાબેન દિનેશભાઈ પરમાર, બાબુભાઈ કાનજીભાઈ વાળા, ભાવનાબેન બાબુભાઈ વાળા, પુનમબેન જયેશભાઈ વાળા, લાલજીભાઈ કાનજીભાઈ વાળા, કૌશિક નવઘણભાઈ વાળા અને આકાશ લાલજીભાઈ વાળા સહિતના શખ્સોએ છરી અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી માર્યો હતો. જે મારમારીમાં આરોપીઓએ પંકજ વાળાને પડખામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા પંકજ વાળાનું મોત નીપજતા બનાવમાં હત્યામાં પલટાયો હતો. આ અંગે મૃતક પંકજ વાળાના ભાઈ કલ્પેશભાઈ વાળાએ હત્યાનો ગુનો નોંધાવ્યો હતોજ્યારે વળતા પ્રહારમાં અલ્પેશ બાલુભાઇ વાળા રાજેશગીરી રામગીરી મેઘનાથી તને હીનાબેન જયસુખભાઈ સોઢાએ હુમલો કરી માર માર્યો હોવાની નવઘણભાઈ કાનજીભાઈ વાળાએ ફરિયાદ નોંધાવી હતી. માલવીયાનગર પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી બંને પક્ષે મહિલા સહિતના આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખવામાં આવેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્માએ હત્યા કેસમાં લાલજીભાઈ કાનજીભાઈ વાળાનું ચાલુ કેસ દરમિયાન મૃત્યુ થતા તેની સામેનો કેસ એબેટ કર્યો હતો જ્યારે બાકીના મહિલા સહિતના નવ આરોપીઓને આજીવન અને મારામારીની ક્રોસ ફરિયાદમાં હીનાબેન સોઢા, કલ્પેશ વાળા અને રાજેશગીરી મેઘનાથીને એક એક વર્ષની સજા અને રૂપિયા છ-છ હજારનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.
હત્યા કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ બીનલબેન રવેશિયા અને મારમારીની ક્રોસ ફરિયાદમાં સરકાર પક્ષે સ્મિતાબેન અત્રી રોકાયા હતા.